ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા “વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતું કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭” અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૬
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મીડિયા વિભાગના સુરેશભાઈ પાનસુરીયાની યાદી જણાવે છે કે જૂનાગઢ ખાતે ગિરનાર કમલમ્ કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સશક્ત માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણજી દ્વારા રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ અંગે મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલીયાના અધ્યક્ષસ્થાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના નેતાઓ દ્વારા કેન્દ્રીય બજેટની મુખ્ય જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગરીબ, યુવા, કિસાન અને મહિલા શક્તિના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલું આ બજેટ સાચા અર્થમાં “જનતાનું બજેટ” હોવાનું જણાવવામાં આવ્યું હતું. દેશને ‘વિકસિત ભારત’ તથા આર્ત્મનિભર ભારત તરફ આગળ ધપાવવાના વડાપ્રધાનના દ્રષ્ટિવિઝનને આ બજેટ સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરે છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ ભારતના વિકાસની ગતિને વધુ વેગ આપનારૂ બજેટ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે જે વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે, તેનું સ્પષ્ટ પ્રતિબિંબ આ બજેટમાં જોવા મળે છે. આ બજેટમાં સમાજના દરેક વર્ગની ચિંતા અને આવશ્યકતાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. કોરડીયાએ વધુમાં જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ યોજનાઓને વધુ મજબૂતી આપીને અંતિમ પાંખિયાં સુધી વિકાસ પહોંચાડવાનો સંકલ્પ આ બજેટ દ્વારા દર્શાવવામાં આવ્યો છે. યુવાનો માટે રોજગાર સર્જન, સ્કિલ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાના ર્નિણયો યુવા શક્તિને આર્ત્મનિભર બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ કિસાનોની આવક વધારવા માટે ખેતી આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિંચાઈ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવાના પ્રયાસો પ્રશંસનીય હોવાનું તેમણે જણાવ્યું હતું. મહિલા સશક્તિકરણ અંગે વાત કરતાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ બજેટ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. મહિલા સ્વસહાય જૂથો, ઉદ્યોગસાહસિક મહિલાઓ અને સામાજિક સુરક્ષા યોજનાઓ માટે કરાયેલ જોગવાઈઓ મહિલાઓને સમાજમાં વધુ સશક્ત સ્થાન આપશે. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, શિક્ષણ, આરોગ્ય, ડિજિટલ ઈન્ડિયા, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે લેવાયેલા ર્નિણયો ભારતને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવશે તેમ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું. આ ક્ષેત્રોમાં કરવામાં આવેલ રોકાણથી આવનારા સમયમાં રોજગારના નવા અવસર ઊભા થશે અને દેશની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા તથા જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશિયા, મહાનગર ભાજપના નવનિયુક્ત મહામંત્રી વિનુભાઈ ચાંદ્રેગ્રા, મિલનભાઈ ભટ્ટ, ઇન્ચાર્જ હરેશભાઈ પરસાણા, કિશોરભાઈ ચોટલિયા, નીતિનભાઈ સુખવાણી, મીડીયા કન્વીનર સુરેશભાઈ પાનસુરિયા, રસિકભાઈ ચનિયારા, કેતનભાઈ નાંઢા તથા યશભાઈ ચુડાસમા સહિતના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ દેશના દરેક નાગરિકના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને ભારતને ‘વિકસિત ભારત’ના લક્ષ્ય તરફ વધુ મજબૂતીથી આગળ વધારશે.


