માંગરોળનું ગૌરવ : રવિનભાઈ માલમ બન્યા સરકારી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.ર૦
માંગરોળના કોળી સમાજ ના જગદીશભાઈ માલમના પુત્ર રવિનભાઈ માલમએ ગરીબી અને અનેક સંઘર્ષો વચ્ચે અભ્યાસની જ્યોત પ્રજ્વલિત રાખી ઉચ્ચ પરીક્ષાઓમાં સફળતા મેળવી રાજકોટની સરકારી બી.કે. મોદી ફાર્મસી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સ્થાન મેળવ્યું છે. ગોલા વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાએ સંતાનોને સારું શિક્ષણ આપવાનું સ્વપ્ન જોયું, જેને રવિનભાઈએ પોતાની મહેનત, સંઘર્ષ અને સંસ્કારોથી સાકાર કર્યું. આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે નહીં, પરંતુ માંગરોળ અને સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે. ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યા બાદ પણ રવિનભાઈએ પોતાની નમ્રતા, નિખાલસતા અને ગુરૂ-પરિવાર પ્રત્યેનો આદર જાળવી રાખ્યો છે. તેમની સફળતા યુવાનો માટે મહેનત અને સંસ્કાર સાથે આગળ વધવાની પ્રેરણા છે. રવિનભાઈ માલમ અને તેમના પિતા શ્રી જગદીશ ભાઈ કે જેઓ જ્યારે જરૂર લાગે ત્યારે સલાહ સૂચન માટે દાનાભાઈ ખાંભલાને મળતા જ્યારે ઉચ્ચ કક્ષા એ પહોંચી ને પણ તેમના ઘરે શુભેચ્છા મુલાકાતે આવતા, દાના ભાઈ ખાંભલા દ્વારા તેમને પ્રેમપૂર્વક ખેસ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન માત્ર રવિનભાઈની સિદ્ધિનું સન્માન નથી, પરંતુ સંઘર્ષમાંથી સફળતા મેળવનાર યુવાનોને પ્રોત્સાહન આપતી એક સુંદર અને પ્રેરણાદાયી પરંપરા છે. રવિનભાઈ માલમને તેમની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ હાદિર્ક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.


