માંગરોળ તાલુકાના ૧૦ ગામોમાં ખેતીની કિંમતી જમીનો ખાનગી કંપનીઓને આપી દેવાની હિલચાલ સામે ભૂમિપુત્રો દ્વારા વિરોધ : આવેદનપત્ર અપાયું
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.૧૯
માંગરોળ તાલુકાના દસેક ગામોમાં ખનીજ સર્વેની થઈ રહેલી કામગીરી સામે વિરોધ ભભુકી ઉઠયો છે. ખેતીની કિંમતી જમીનો ખાનગી કંપનીઓને લીઝ કે ભાડાપટ્ટે આપી દેવાની હિલચાલ હોવાની ખેડુતોમાં સેવાઈ રહેલી ભીતિ વચ્ચે આજે બહોળી સંખ્યામાં એકત્રિત થયેલા ભૂમિપુત્રોએ ભારે સૂત્રોચ્ચાર સાથે તંત્રને રોષભેર આવેદન પાઠવ્યું હતું. માનખેત્રા, સુલતાનપુર, ઢેલાણા, કોટડા, લંબોરા, સકરાણા, વિરપુર, ચોટલી વિરડી, શેપા, હુસેનાબાદ, શેખપુર ઓજી સહિતના વિસ્તારોમાં ખાનગી કંપનીના રાજ્ય બહારના માણસો દ્વારા કેન્દ્ર સરકારના ખનીજ વિભાગના નામે ચુનાના પથ્થરોનો સર્વે કરવાની થઈ રહેલી કામગીરી સામે ખેડુતોમાં ભારે નારાજગી ફેલાઈ છે. આગેવાનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ચાલતા આ સર્વે અંગે ખેડુતો પુછતા કામગીરી કરતા માણસો દ્વારા સેટેલાઈટથી જમીન માપણી, જમીનમાં ખારાશનું પ્રમાણ, રસ્તા, પથ્થરોનો સર્વે સહિત અલગ અલગ જવાબો આપવામાં આવતા હતા. ખેતીની કિંમતી જમીનો ખાનગી કંપનીઓને ભાડે કે લીઝ પર આપી દેવાની હિલચાલ હોવાની પ્રવર્તેલી ભીતિ અને ખાસ કરીને નાની જમીનો અને ટુંકી ખેતી પર નભતા ખેડુતો જમીન વિહોણા થઈ જવાની આશંકા વચ્ચે માનખેત્રા ગામે આગેવાનોની ઉપસ્થિતિમાં ગઈકાલે બેઠક મળી હતી. જેમાં આ પ્રશ્ને લડી લેવાનો નિર્ધાર કરાયો હતો. દરમ્યાન લીલી નાઘેર તરીકે ઓળખાતી જમીનમાં ખનન કરી ખાનગી કંપનીઓ બંજર બનાવી દે તેવી આશંકા વ્યક્ત કરી આજે ખેડુત આગેવાન વાલાભાઈ ખેર, માંગરોળ ન.પા. પૂર્વ પ્રમુખ મો.હુસેનભાઈ ઝાલા સહિતના આગેવાનો અને એકત્રિત થયેલા ખેડુતોએ મામલતદારને આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે સર્વે કરનારાઓએ કલેકટર, પોલીસ, ખાણ વિભાગ કે મામલતદાર એમ કોઈની મંજુરી મેળવી નથી. સ્થાનિક લોકો કે અધિકારીઓ સાથે સંકલન વગર સીધા કેન્દ્ર સરકારના વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવેલ છે કે કેમ ? તે શંકા ઉપજાવે છે. અહીં નારિયેળ, ચીકુ, આંબા, કેળ જેવા બાગાયતી પાકો થાય છે. ખેડુતોની વસાહત વાડી વિસ્તારમાં જ છે. નાના અને સીમાંત ખેડુતો ૨ થી ૫ વીઘા જમીન ધરાવે છે અને તેમાંથી ૧૫ થી ૨૦ લોકોનો જીવન નિર્વાહ ચાલે છે. અહીંની મોટા ભાગની વસ્તી ખેતી પર ર્નિભર છે. આ વિસ્તારોમાં ખનીજની લીઝ આપવામાં આવે તો ખેડુતો પાયમાલ થઈ જાય તેમ છે. ખેડુતોની આવક બમણી કરવાની વાતો કરતી સરકાર ખનીજ અને વિકાસના નામે ખેતીની જમીનો ખાનગી કંપનીને સોંપી દે તેવી આશંકા હોવાનું જણાવી, સર્વેની કામગીરી તુરંત બંધ કરવા અને બંધ નહીં થાય તો નાછુટકે આંદોલન કરવાની ચીમકી આપી છે.


