માંગરોળ માનખેત્રા ખાતે ખેડૂત સંમેલન મળ્યું : કેન્દ્ર સરકારની લાઈમ સ્ટોન બ્લોક, એક્સપ્લોરેશન પ્રોજેકટ યોજના સામે ખેડૂતો લાલઘૂમ
આજે મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે : ઉગ્ર આંદોલનના એંધાણ
(પ્રતિનિધિ દ્વારા) માંગરોળ તા.૧૮
માંગરોળ અને તેની આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી ઢબે સર્વેની કામગીરી ચાલતી હોવાનું ખેડુતોના ધ્યાને આવતા ઘણી શંકા કૂશંકાઓ ઉભી થઈ હતી. આખરે ખેડૂતો દ્વારા તપાસ કરતા ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે જેમા કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા માંગરોળના માનખેત્રા, કલોતપૂર, ભૂતડીકાદી, સુલતાનપૂર સહિત લીલી નાઘેર ગણાતા એક બહોળા વિસ્તારમાં ચૂનાના પથ્થર નામે લઈમ સ્ટોન બ્લોક/એક્સપ્લોરેશન પ્રોજેક્ટ નો સર્વે કરી રહ્યા હોવાનું જણાવા મળ્યું છે. જેના કારણે આવનારા સમયમાં ખેડૂતોની જીવાદોરી સમાન ફળદૂપ જમીનો છીનવાઈ જવાનો કે ખાનગી કંપનીઓ ના હવાલે થવાની દહેશત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જેને લઇને સોમવારે રાત્રે માનખેત્રા મુકામે રામપીરની મઢીએ વાલાભાઈ ખેરની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. અને આ ખાનગી ઢબે ચાલી રહેલી શંકાસ્પદ સર્વેની કામગીરીને અટકાવવા અને આવનાર સમયમાં ઉભી થનારી સમસ્યાઓ બાબતે મામલતદાર, કલેકટર અને સરકારશ્રી ને આવેદન રૂપે રજુઆત કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોને ઉપસ્થિત રહેવા હાકલ કરવામાં આવી છે. માંગરોળ અને તેની આજુબાજુનો વિસ્તાર લીલી નાઘેર તરીકે ઓળખાય છે. અહી હજારોની સંખ્યામાં નાના મોટા પરીવાર ખેતી પર ર્નિભર છે. અને જમીન ફક્ત એક માત્ર આધાર ગણાય છે. પરંતુ આવા વિસ્તારોમા છેલ્લા ઘણા સમયથી કેટલીક શંકાસ્પદ ગતિવિધીઓ ચાલી રહી હતી. ખાનગી કંપનીના બહારના રાજ્યના માણસો દ્વારા કેન્દ્ર સરકાર ના ખનીજ વિભાગના નામે ચુનાના પત્થરનો સર્વે કરવાની કામગીરી હાલ ચાલી રહેલ છે. આ ખાનગી કંપનીના માણસો ખેડૂતોની લીલી નાઘેર તરીકે ઓળખાતી અને ખેતી માટે ઉત્તમ ગણાતી જમીનમા ખનન કરી ખાનગી કંપનીઓ સરકારના નામે જમીનો બંજર બનાવી દેવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આવી ખાનગી કંપનીઓને સીધીજ કેન્દ્ર સરકારના વિભાગ દ્વારા આ કામે સ્થાનિક લોકો કે અધિકારીશ્રી સાથે સંકલન કર્યા વગર મંજુરી આપેલ છે કે કેમ તે પણ શંકા ઉપજાવે તેવુ છે. વધુમા આ વિસ્તારમાં ખનીજની ઉપલબ્ધતા બાબતે સર્વે કરી જો સરકાર દ્વારા સીધીજ ખાનગી કંપનીઓને લીઝ કે ભાડાપટ્ટે જમીન આપવાની યોજના હોઇ તો પણ સ્થાનિક નાગરીકો તરીકે ખાસ ખેડૂતો વિરોધ જાહેર કર્યો છે. કેમકે આ વિસ્તારની જમીન ખેતી માટે ઉતમ જમીન છે અને અહીની તમામ વસતી ખેતી પર ર્નિભર છે. જો આ વિસ્તારમા ખનિજની લીઝો આપવામા આવે તો ખેતીની જમીનોને ખુબ નુકશાન થાય અને ખેડુત પાયમાલ થય જાય તેમ છે. આ બાબતે સ્થાનિક નેતા વાલાભાઈ ખેરે જણાવ્યું હતું કે, ખેડુતોની આવક બમણી કરવાની વાતો કરતી સરકાર આ વિસ્તારની જમીનો ખનિજના નામે અને વિકાસના નામે અમારી માતા સમાન ખેતીની જમીનો ખાનગી કંપનીઓને સોપી દે તેવી સંભાવના અમોને જણાય છે. જેથી આ વિસ્તારના નાગરીકો તરીકે અમારી જમીનો બચાવવી અને ગામડાને અને ખેડુતોને જીવતા રાખવા એ અમારી પ્રથમ ફરજ બને છે અને આ સર્વે તાત્કાલીક અસરથી બંધ કરવા અમારી માંગણી અને લાગણી છે. જો આ અમારી રજુઆત બાદ પણ ખાનગી કંપનીના માણસો મારફતે કરવામા આવતી સર્વેની કામગીરી બંધ નહી થાય તો અમોને ના છુટકે આંદોલન કરવા તેમજ સર્વેની કામગીરી રોકવા ફરજ પડશે જેની જવાબદારી વહીવટી તંત્રની અને સરકારની રહેશે. ખેડુતની ખેતીની જમીનોની તથા પર્યાવરણની જાળવણી કરવાની અમારી રજુઆતને સરકાર તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લઇને આવી કામગીરી રોક લગાવવામાં આવે. એક તરફ ખાનગી રાહે ખાણ ખનનથી ખેડૂતો પરેશાન છે. ત્યા વધુ વ્યાપક પ્રમાણમાં એક બહોળો વિસ્તાર લાઇમ સ્ટોન ના નામે સર્વે કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મૂદ્દો આગળ જતા વધૂ ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.


