રાજકોટના સોની વેપારીના રૂા.રપ કરોડના સોનાની બિહારમાં સનસનીખેજ લૂંટ

કસ્ટમ અધિકારીના શ્વાંગમાં આવેલા ૭ લૂંટારૂઓ ધોળે દિવસે ૧૭ કિલો સોનુ ભરેલી ૩ બેગ લૂંટી ફરાર થઈ ગયા : ગુજરાતના જવેરીઓમાં ખળભળાટ

રાજકોટના સોની વેપારીના રૂા.રપ કરોડના સોનાની બિહારમાં સનસનીખેજ લૂંટ

રાજકોટ/પટણા, તા.૬
બિહારના દાનાપુરમાં રાજકોટના સોની વેપારીના ૨૫ કરોડની કિંમતના ૧૭ કિલો સોનાની ધોળા દિવસે લૂંટ થતાં ખળભળાટ સર્જાયો છે. કસ્ટમ અધિકારીના સ્વાંગમાં સાત જેટલા લૂંટારૂઓ સોનુ ભરેલી ત્રણ બેગ લૂંટીને ફરાર થઇ ગયા હતા. લૂંટનો ભેદ ખોલવા તથા લૂંટારૂઓને પકડવા માટે ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. રાજકોટના સોની વેપારી પણ તાબડતોબ બિહાર પહોંચ્યા છે.
લૂંટની આ સમગ્ર ઘટના વિશે જાણવા મળતી વિગતો પ્રમાણે રાજકોટના મહેશ મામતોરા તથા પ્રિન્સ રામપરિયા અમદાવાદથી સહરસા એક્સપ્રેસ ટ્રેનમાં બિહારના દાનાપર પહોંચ્યા હતા. સોનુ ભરેલી ત્રણ બેગ સાથે બાકરગંજ સ્થિત કેવીએસ એન્ડ કુાં.માં જવાનું હતું. દાનાપુર રેલવે સ્ટેશન ઉતરીને રીક્ષા કરી હતી અને રીક્ષા થોડી આગળ વધી ત્યાં ફ્લાઇઓવર પર કાર અને બાઇકમાં સાત શખ્સોએ તેમને આંતરી લીધા હતા. કસ્ટમ અધિકારી તરીકે ઓળખ આપીને સામાન ચેક કરવા લાગ્યા હતા. તમામ સાત લૂંટારૂઓએ સફેદ શર્ટ અને ખાખી પેન્ટ પહેર્યા હતા અને વર્તન-બોલચાલ અધિકારીઓ જેવા જ હોવાથી કોઇ શક પણ પડ્યો નહતો.
સોના ભરેલી ત્રણેય બેગ સાથે લૂંટારૂઓએ રાજકોટના બેમાંથી એકને કારમાં બેસાડી દીધો હતો અને થોડો આગળ જઇને સૂમસામ જગ્યાએ ઉતારીને ફરાર થઇ ગયા હતા. જ્યારે વેપારીને લૂંટાયા હોવાની જાણ થઇ હતી. રસ્તા પરથી પસાર થઇ રહેલા વાહન ચાલકની મદદથી પોલીસ અને રાજકોટ સ્થિત માલિકને જાણ કરી હતી. જેને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
બપોરે એક વાગ્યાના અરસામાં ધોળા દિવસે સર્જાયેલી લૂંટની આ ઘટનાથી બિહારની રાજધાની પટણાથી માંડીને ગુજરાતના ઝવેરીઓમાં પણ ખળભળાટ મચી ગયો છે. આંતરરાજ્ય વેપાર કરતા સોની વેપારીઓમાં ભારે ફફડાટ સર્જાયો છે.