વડોદરામાં વડાપ્રધાન મોદીનું ‘રેમ્પવોક’ : Gen-Z સાથે મેગા-શો

હવે ભારત ચીપ થી લઈને શીપ તૈયાર કરી રહ્યું છે : એઆઈ ક્ષેત્રે સુપરપાવર બનવાની દેશમાં તૈયારી થઈ રહી છે : ર૦૧૪ બાદ દેશના વિકાસની ગતિ વધી છે : વડાપ્રધાન

વડોદરામાં વડાપ્રધાન મોદીનું ‘રેમ્પવોક’ : Gen-Z સાથે મેગા-શો

વડોદરા તા.૮
વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર વડાપ્રધાન મોદી જાહેર સભાને સંબોધન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે વડાપ્રધાન મોદીએ ભવ્ય સ્ટેજ પર રેમ્પવોક કરી જેન-ઝી સાથે સીધો સંપર્ક કર્યો હતો. રેમ્પવોક સ્ટેજની બન્ને બાજુ જેન-ઝી યુવાઓ બેઠા હતા. જેમણે વડાપ્રધાનનું અભીવાદન કર્યું હતું. નમો-૪-વિકસીત-ભારત કાર્યક્રમને સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે, વિકસીત ભારતની યાત્રાને ગતિ મળી રહી છે. તેમણે કહ્યું કે, વિકાસનો ઉત્સવ અને યુવાઓનો સાથથી વિકાસપર્વ પર દેશના લોકોને શુભેચ્છા પાઠવું છું. વડાપ્રધાને વડોદરાથી દેશ અને રાજયોને રૂા.૩પ,૦૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કર્યું હતું.
વડાપ્રધાને કહ્યું કે, વિકસિત ભારતની યાત્રાને વધુ ગતિ આપવા માટે આપની વચ્ચે આવ્યો છું. અહીં હજારો કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. આ વિકાસ પર્વ માટે જે સેવા ભાવ સાથે વડોદરામાં સ્વચ્છતાથી સ્વાગત અભિયાન ચલાવ્યું છે, તેના માટે હું વડોદરાના દરેક નાગરિકનો અભિનંદન કરું છું. તેની સરાહના કરું છું. મેં કાલે વડોદરાનો એક વીડિયો જોયો.. ખૂબ ગર્વ અનુભવ્યો.. મારા વડોદરાના તમામ લોકોને અભિનંદન. તેમણે વડોદરાની સફાઈની અને સંુદરતાની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, ર૦૧૪ બાદ દેશની વિકાસની ગતિ વધી છે. અગાઉની સરકારોની (કોંગ્રેસ)ની ટીકા કરતા તેમણે કહ્યું કે, ર૦૧૪ સુધી કામો અટકી પડતા હતા. ફાઈલો માત્ર ટેબલો પર જ પડી રહેતી હતી પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વડાપ્રધાને ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર દેશને સમર્પિત કરતા કહ્યું કે, ડેડીકેટેડ ફ્રેટ કોરીડોરથી સ્થિતિ બદલાઈ ગઈ છે. પહેલા જે માલગાડીને તેના સ્થાને પહોંચતા ૩૦ કલાક લાગતા હતા. તે હવે ૧૦ થી ૧ર કલાકમાં પહોંચી જાય છે. તેનાથી સમય સાથે ખર્ચની પણ બચત થઈ છે. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં વધુમાં કહ્યું કે, વિકસીત ભારતની યાત્રાને ગતિ આપવા અહીં આવ્યો છું. વડોદરાની નવરાત્રી પર આખા ગુજરાતનું ધ્યાન રહે છે. તેમણે કહ્યું કે, વડોદરામાં મેડ ઈન ઈન્ડિયા મિલીટ્રી ટ્રાન્સપોર્ટ બન્યું છે. 
વડાપ્રધાને ઉમેર્યું કે, ભારતમાં ટ્રાન્સપોર્ટની કાયાપલટ થઈ છે. ભારતે ર૦૧૪ બાદ પ૦ હજાર આધુનિક રેલ્વે કોચ બન્યા છે. અગાઉની સરકારો પ૦,૦૦૦ ટોયલેટ પણ બનાવી શકી ન હતી. તેવો કટાક્ષ તેમણે કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, પોણા ૩ લાખ કરોડનું રેલ્વે બજેટ થયું છે. રેલ્વેના વિકાસથી ઉદ્યોગોનો વિકાસ થયો છે. ભારત રેલ્વે એન્જિનનું નિર્માતા બન્યું છે. અનેક નવી રોજગારીનું સર્જન થયું છે. પીએમ સૂર્યઘર યોજનાનો પપ લાખ લોકોએ લાભ લીધો છે. હવે ભારત ચીપ થી લઈ શીપ તૈયાર કરે છે. એઆઈ ક્ષેત્રે સુપરપાવર બનવાની દેશમાં તૈયારી થઈ રહી છે. ડીગ્રીની સાથે સ્કીલનું પણ મહત્વ વધ્યું છે. દેશના યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપણે ભારતને વિકસીત બનાવીને જ રહેવું છે. તેમ કહીને વડાપ્રધાને પોતાનું સંબોધન સમાપ્ત કરતા કહ્યું કે, વડોદરાને સુંદર બનાવવામાં યુવાનોએ ખુબ ભાગ લીધો છે. પરંતુ આજે આપણે એક સંકલ્પ કરીએ કે મારે વડોદરાને ગંદુ થવા જ નથી દેવું ત્યારબાદ વડાપ્રધાને વંદે માતરમ્ સાથે તેમનું સંબોધન સમાપ્ત કર્યું હતું.