વડોદરામાં સર્જાયેલા વિશ્વ રેકોર્ડમા BAPS બાળ સત્સંગ મંડળ વેરાવળના ૬૭ બાળકોનો ઐતિહાસિક ફાળો

BAPS મંદિર વેરાવળ ખાતે પૂજ્ય સંતોના હસ્તે ગૌરવભર્યો અભિવાદન કાર્યક્રમ યોજાયો

વડોદરામાં સર્જાયેલા વિશ્વ રેકોર્ડમા BAPS બાળ સત્સંગ મંડળ વેરાવળના ૬૭ બાળકોનો ઐતિહાસિક ફાળો

વેરાવળ, તા. ૧૦
વડોદરા ખાતે તા. ૨ ફેબ્રુઆરીના રોજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મજયંતિ નિમિત્તે આયોજિત ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ દરમિયાન એક અનોખો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના તમામ ૩૧૫ શ્લોકોનું નિખાલસ મુખપાઠ કરી વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
આ ઐતિહાસિક સિદ્ધિમાં વેરાવળ BAPS મંદિર બાળ સત્સંગ મંડળ વેરાવળ, સુત્રાપાડા, લોઢવા, કેશોદ, વિસાવદર, માળિયા હાટીના, તાલાલા, કોડીનાર, વિસ્તાર માંથી કુલ ૬૭ બાળ બાલિકાઓ એ સત્સંગ દીક્ષા ગ્રંથના તમામ ૩૧૫ શ્લોકોનું નિખાલસ મુખપાઠ આપી આ રેકોર્ડ સર્જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચારેય બાળકોને “વિદ્વાન”નો સન્માનિત દરજ્જાે અર્પણ કરવામાં આવ્યો હતો.આ ૬૭ બાળકોએ ઉત્કૃષ્ટ યાદશક્તિ, શિસ્ત અને આધ્યાત્મિક નિષ્ઠાનો અદભૂત પરિચય આપી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બાળકોના આ અભૂતપૂર્વ પ્રદર્શનથી સમગ્ર દેશભરમાં વેરાવળનું નામ ગૌરવપૂર્વક પ્રગટ્યું હતું. આ ગૌરવસભર સિદ્ધિના અનુસંધાને વેરાવળ ખાતે BAPS મંદિર પરિસરમાં પૂજ્ય સંતોના પાવન હસ્તે ૬૭ બાળકોનું ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકોને પ્રશસ્તિ પત્ર, આશીર્વાદ અને પ્રોત્સાહન આપી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી. પૂજ્ય સંતોએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, “આ બાળકો માત્ર શ્લોકોનું સ્મરણ નથી કરતા, પરંતુ સંસ્કાર, સંયમ અને સંસ્કૃતિના સાચા વારસદાર બની રહ્યા છે.” તેમણે માતા-પિતા અને સંયોજકોની પણ ખાસ પ્રશંસા કરી હતી.
આ અવસરે મોટી સંખ્યામાં સંતો, હરિભક્તો, માતા-પિતા અને સ્થાનિક શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય, ગૌરવસભર અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો.વેરાવળના બાળકો દ્વારા પ્રાપ્ત આ સિદ્ધિ આવતી પેઢી માટે પ્રેરણાસ્રોત બની રહેશે અને BAPS સંસ્થાના સંસ્કાર આધારિત શિક્ષણ કાર્યને નવી ઊંચાઈ આપશે. BAPS સંસ્થાની બાળ સત્સંગ પ્રવૃત્તિ દ્વારા “મિશન રાજીપો” અંતર્ગત એક અનોખો વિશ્વ રેકોર્ડ સર્જાયો હતો. આ પ્રસંગે કુલ ૧૨,૭૨૩ જેટલા બાળકોએ હિન્દુ પરંપરા અનુસાર સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ શ્લોકોનું સંસ્કૃત ભાષામાં સંપૂર્ણ મુખપાઠ તથા ગાયન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.
આ ઐતિહાસિક રેકોર્ડમાં સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના ચાર બાળકોના નામ નોંધાયા છે. જેમાં માત્ર ૫ વર્ષના ઘનશ્યામભાઈ સુરેશભાઈ વાઢેર, ૯ વર્ષની નિરવાબેન સુરેશભાઈ વાઢેર, ૧૨ વર્ષના મીતભાઈ અશ્વિનભાઈ કવા તથા ૧૩ વર્ષના અક્ષરભાઈ ભીમશીભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે માત્ર ૫ વર્ષની નાની વયે ઘનશ્યામભાઈ વાઢેરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી લોઢવા ગામ, પરિવાર તેમજ સમગ્ર સત્સંગ મંડળનું ગૌરવ વધાર્યું છે.