વિરાસતથી વિકાસ લોકમેળામાં રાઈડમાં શોર્ટસકિર્ટ થતા આગ લાગી : ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું
રાજકોટમાં લોકમેળાની પૂર્વતૈયારીના ભાગરૂપે મોકડ્રિલ યોજાઈ : પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય સહિતના વિભાગો સંયુક્ત રીતે મોકડ્રીલમાં જોડાયા
રાજકોટ તા.૧
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આયોજિત ‘વિરાસતથી વિકાસ’ લોકમેળો-૨૦૨૬માં મેઈન ગેટથી ચોથી રાઈડમાં શોર્ટસકિર્ટ થતાં ધુમાડાના ગોટા સાથે આગ ભભૂકી ઊઠી હતી, અને ૨ થી ૩ લોકો ઊંચાઈ પર ફસાઈ જતાં એકાએક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગણતરીના સમયમાં જ તંત્ર એક્શન મોડમાં આવ્યું, અને ફાયર વિભાગનું ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ સહિત ફાયરની ૨ ગાડીઓ તથા ૨ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ, જન રક્ષક ૧૧૨ હેલ્પલાઈનના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ફાયર ફાઇટરોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ઊંચે ફસાયેલા લોકોને સલામત રીતે નીચે ઉતાર્યા અને આગ પર કાબૂ મેળવી ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી રેસ્ક્યુ ઓપરેશન સફળ બનાવ્યું હતું. આ કોઈ વાસ્તવિક ઘટના નથી પરંતુ તા. ૨ થી ૬ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનારા ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજાયેલી મોકડ્રિલના દ્રશ્યો છે. આપત્તિ સમયે તમામ વિભાગોનું સંકલન અને પૂર્વતૈયારીઓની ચકાસણી કરવાના ભાગરૂપે લોકમેળા પરિસર ખાતે મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય સહિતના વિભાગો સંયુક્ત રીતે જોડાયા હતા.
રેસકોર્સ મેદાનમાં ફનવર્લ્ડ પાસેના ગેટ, પોલીસ કમિશનર બંગલો સામેના ગેટ, એરપોર્ટ રોડ સામેના ગેટ સહિત ૫ સ્થળે ફાયર સ્ટેશન કાર્યરત કરાશે સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય એવા રાજકોટના ‘વિરાસતથી વિકાસ-૨૦૨૬’ લોકમેળામાં આવતા મુલાકાતીઓની સુરક્ષા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ અને રાજકોટ મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ફાયર સેફ્ટી અંગે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચીફ ફાયર ઓફિસર અમિત દવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મુલાકાતીઓની સુરક્ષા અને ઇમરજન્સી રિસ્પોન્સ ઝડપી બને તે હેતુથી રેસકોર્સ મેદાનમાં ફનવર્લ્ડ પાસેના ગેટ, પોલીસ કમિશનર બંગલો સામેના ગેટ, એરપોર્ટ રોડ સામેના ગેટ, કવિ રમેશ પારેખ રંગદર્શન પાસે તેમજ ફનવર્લ્ડ અને પોલીસ કમિશનરના બંગલો વચ્ચેના રોડ પર એમ કુલ ૫ મુખ્ય જગ્યાઓ ખાતે ફાયર સ્ટેશનનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન ચોવીસે કલાક સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફાયર બ્રિગેડના જવાનો શિફ્ટ પ્રમાણે ફરજ બજાવશે. દરેક શિફ્ટમાં ૪૫થી ૫૦ જેટલા જવાનો એમ ૧૫૦ જેટલા ફાયરના જવાનો મેળામાં તૈનાત રહેશે. લોકમેળાનો પ્રારંભ થતાં જ ફાયર વિભાગની ટીમ દ્વારા તમામ ખાણીપીણીના સ્ટોલ, જ્યાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોય ત્યાં અને જનરેટર, ડીઝલ કે ઈલેક્ટ્રિકસિટીથી કાર્યરત તમામ ચકરડીઓ અને રાઈડ્સમાં ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, સ્થળ પર અગ્નિશામક સાધનોની પણ ચકાસણી કરવામાં આવશે. આગ લાગવાની ઘટના વખતે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે ત્યાં સુધીમાં પ્રાથમિક ધોરણે તાત્કાલિક પગલાં લઈ શકાય તે માટે પણ વિશેષ આયોજન કરાયું છે. તમામ સ્ટોલ ધારકોએ સ્ટોલ પાસે ૨૦૦ લિટર પાણીનો જથ્થો ધરાવતું બેરલ, ફાયર એક્સ્ટિંગ્વિશર સહિતના પ્રાથમિક સાધનો રાખવાના રહેશે,જેથી પ્રાથમિક તબક્કે આગ પર કાબૂ મેળવી શકાય અને મોટી દુર્ઘટના ટાળી શકાય.


