શીલના સામરડા ગામે એસએમસીના દરોડામાં ૧૩ જુગારીઓ ઝડપાયા, સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ

૨૧ ફરાર, રોકડ, ૧૯ મોટરસાયકલ,૧૦ મોબાઈલ સહિત ૮.૩૭ લાખનો મુદ્દામાલ કબ્જે

શીલના સામરડા ગામે એસએમસીના દરોડામાં ૧૩ જુગારીઓ ઝડપાયા, સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૪
શીલના સામરડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રામાપીર મંદિર પાસે જાહેર ચોકમાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડી  ૩ સંચાલકો સહિત ૧૩ જુગારીઓને ઝડપી લીધા હતા.દરોડામાં ૨૨ જુગારીઓ નાસી ગયા હતા. એસએમસી ટીમે સ્થળ પરથી  રૂા.૧.૪૭ લાખની રોકડ, ૧૯ મોટર સાયકલ, ૧૦ મોબાઈલ સહિત ૮.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે નાસી ગયેલા  જુગારીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.  જૂનાગઢ જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી જુગાર અને દારૂડિયા ઉપર ત્રાટકી રહી છે. અવારનવાર દરોડાઓ છતાં જાણે કે બુટલેગરો અને જુગારીઓને પોલીસનો ડર જ ન હોય તેમ જુનાગઢ જિલ્લામાંથી મસ મોટો દારૂ અને પતા પ્રેમીઓ ઝડપાઈ રહ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી માંગરોળ તાલુકાના શીલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સામરડા ગામે ત્રણ શખ્સો દ્વારા જાહેરમાં  જ જુગારધામ ચલાવતું  હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. સ્થળ પરથી જુગાર સંચાલક ભરત લખમણ ગરેજા, દિલીપ ભુરા ભુતીયા, કરણ સોમત વાસણ, દિલીપ ભીમા વાસણ, વિવેક ભુવા, લખમણ મેરૂ મોકરીયા, ભરત સવદાસ બળીયાસ, ભાવેશ ભીખુ મોકરીયા, રોહિત ભીમા મોકરીયા, જાખરા વજસી વાસણ, જયેન્દ્ર લખમણ જોરા, રામા અરજણ મોકરીયા ૧૩ જુગારીઓને ઝડપી લીધા હતા. કાર્યવાહી દરમ્યાન અજીત ભરડા, વિનુ મોકરીયા, તથા ૧૭ અજાણ્યા વાહન ચાલકો, બે મોબાઈલ ધારકો સહિત ૨૨ જુગારીઓ નાસી ગયા હતા. ખુલ્લામાં જુગાર રમાતો હોવા છતાં સ્થાનિક પોલીસને ભનક ન આવી તે અંગે પણ અનેક સવાલો સર્જાયા છે.શીલ પોલીસ સ્ટેશનમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કુલ ૩૫ જુગારીઓ વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા  કાર્યવાહી હાથ ધરી છે. મોટુ જુગાર ધામ ઝડપાતા સ્થાનિક પોલીસ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી થાય તેવી પણ ભીતિ વ્યક્ત થઈ રહી છે.