સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ભરતી નિયંત્રણ દરવાજાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકા, ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ
(જાદવ ભોળા દ્વારા)
લોઢવા તા.18
સુત્રાપાડા તાલુકામાં આવેલા વડોદરા ઝાલા ભરતી નિયંત્રણ ડેમના દરવાજા અને કેનાલના કામમાં એજન્સી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ અંગે વડોદરા ઝાલા ગ્રામ પંચાયતના માજી સદસ્ય ભીખાભાઈ રામાભાઈ ઝાલા દ્વારા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર, મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી અને ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.
અરજીમાં જણાવ્યા અનુસાર, ડેમનું વધારાનું પાણી દરિયામાં ઠાલવવા માટે કેનાલ મારફતે પાણીનો નિકાલ કરવાની યોજના અંતર્ગત અંદાજ રૂા.45,00,000/- ના ખર્ચે બે દરવાજા બનાવવામાં આવ્યા છે. પરંતુ આ કામગીરીમાં એજન્સી દ્વારા ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ટૂંકા સમયમાં જ દરવાજાના કોલમ તેમજ કેનાલ પણ તૂટી ગઈ છે, જેના પુરાવા રૂપે ફોટોગ્રાફ્સ પણ સત્તાધીશોને મોકલવામાં આવ્યા છે.
અરજીમાં મુખ્યત્વે નીચે મુજબના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે: 1. દરવાજા ખોલવા કે ઉપર ચડવા માટે જે સીડી બનાવવામાં આવી છે તેની ગુણવત્તા અત્યંત ખરાબ છે. 2. પાળાપેટનું કામ વાસ્તવમાં થયું ન હોવા છતાં તેનું ખોટું બિલ ઉધારી લેવામાં આવ્યું છે. 3. ડેમ પર જે લોખંડ હતું, જેને જાહેર હરાજીથી વેચવાનું હતું, તેને એજન્સી દ્વારા બારોબાર વેચી મારી આર્થિક ગેરરીતિ આચરવામાં આવી છે.
અરજદાર ભીખાભાઈ ઝાલાએ ચીમકી ઉચ્ચારી છે કે જાે આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરી ઘટતું કરવામાં નહીં આવે, તો તેઓ નાછૂટકે મુખ્યમંત્રીના ‘સ્વાગત ઓનલાઈન‘ કાર્યક્રમમાં ન્યાય માટે જવા મજબૂર બનશે. સ્થાનિક સ્તરે સરકારી નાણાંનો આ પ્રકારે દુરુપયોગ થતાં ગ્રામજનોમાં પણ ભારે રોષ જાેવા મળી રહ્યો છે.


