કરોડોનો ખર્ચ છતાં શામળદાસ ગાંધી ટાઉનહોલ ‘ભયજનક’ કેમ ?

એક સમયે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોથી ગુંજતો ટાઉનહોલ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં કોના પાપે ? કલાકારોની કલાનું ગળુ ઘોંટવાનાં પ્રયાસો સામે તીવ્ર આક્રોશ : તાનશેનનાં અવતારો કયારે કલાકારોને પ્લેટફોર્મ આપશે ?

કરોડોનો ખર્ચ છતાં શામળદાસ ગાંધી ટાઉનહોલ ‘ભયજનક’ કેમ ?
AI Image

જૂનાગઢ તા. રપ
જૂનાગઢ શહેરનાં સરદાર પટેલ ચોક વિસ્તારમાં શામળદાસ ગાંધી ટાઉનહોલની વિશાળ ઈમારત ઉભી જાેવા મળે છે. એક સમયે સરકારનાં વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સન્માન સમારંભો, લોકડાયરા, હાસ્યનાં કાર્યક્રમો અને એકલા જૂનાગઢ જ નહીં પરંતુ જાણીતા અને નામી કલાકારોથી શામળદાસ ગાંધી ટાઉનહોલ કાયમને માટે ગુંજતો રહેતો હતો. કલા અને સાંસ્કૃતિનાં વારસાને જીવંત રાખનારા કાર્યક્રમો યોજવામાં આવતા હતાં. ખુબ જ સારા કાર્યક્રમો જૂનાગઢનાં આંગણે યોજાતા હતાં. પરંતુ છેલ્લા બે વર્ષથી શામળદાસ ગાંધી ટાઉનહોલ બંધ હોય જેથી કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ જૂનાગઢ થઈ શકતા નથી. આજે રાજકોટ અને અમદાવાદ ખાતે જેવા કાર્યક્રમો યોજાઈ છે તેવા કાર્યક્રમો જૂનાગઢમાં જાે શામળદાસ ગાંધી ટાઉનહોલ કાર્યરત હોય તો થઈ શકયા હોત તેવો જૂનાગઢનાં કલાકારો વસવસો વ્યકત કરી રહયા છે. અને જૂનાગઢમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિ સાથે જાેડાયેલા કલાકારોની એવી માંગણી છે કે શામળદાસ ગાંધી ટાઉનહોલને રીપેરીંગ કરી અને વહેલી તકે લોક સેવામાં મુકવામાં આવે જેથી સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટેનું જૂનાગઢમાં પ્લેટફોર્મ મળી શકે. આ થઈ કલાકારોની લાગણીની વાતો. તો બીજી તરફ રીપેરીંગ કામ અને એરકંડીશન પ્લાંટ નાખી કરોડોનો ખર્ચ કરવા છતાં શામળદાસ ગાંધી ટાઉનહોલ જર્જરીત અને ભયજનક કેમ ? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. તેમજ આ અંગે તપાસ કરવાની પણ માંગણી વ્યકત કરવામાં આવી રહી છે.
જૂનાગઢ શહેરનાં કલાકારોને સાંસ્કૃતિક પ્રવૃતિ માટે પ્લેટફોર્મ પુરૂ પાડતાં શામળદાસ ગાંધી ટાઉનહોલને છેલ્લા બે વર્ષથી અલીગઢી તાળા લાગી ગયા છે. ઘણા લાંબા સમય સુધી કારણ છુપાવ્યા બાદ હવે મનપાનાં શાસકો નવો ટાઉનહોલ બાંધવા મેદાને પડયા છે. જુનો ટાઉનહોલ બંધ છે અને નવો ટાઉનહોલ કયારે બંધાશે તે અંગે અનિશ્ચિતતા વચ્ચે કલાકારોની કલાને ગળે ટુંપો જેવા જેવી મનપા તંત્રની ચાલતી રમત સામે ભારે આક્રોશ ઉઠી રહયો છે. જૂનાગઢનાં જ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિ સાથે સંકળાયેલા કલાકારોએ, જાગૃત નાગરીકોએ તાજેતરમાં જ કમિશ્નરને મળી અને જુનો ટાઉનહોલ વહેલી તકે રીપેર કરી અને કાર્યરત કરવાની માંગણી કરી છે. અને સાથે જ આંદોલનની ચીમકી પણ આપી છે. આ દરમ્યાન નવો ટાઉનહોલ બાંધવાનાં કામમાં સેટીંગથી ઉંચા ભાવનું ટેન્ડર મંજુર કરવાની મનપાનાં શાસકોની રમત ખુલ્લી પડી જતાં તે અંગે પણ ભારે આક્રોશ વ્યકત થઈ રહયો છે. સાથે જ નવા ટાઉનહોલનાં કામનું હજુ ઠેકાણું નથી. ત્યારે જુનો ટાઉનહોલ વહેલી તકે રીપેર કરી અને કલાકારોને પ્લેટફોર્મ મળી રહે તે માટે કામગીરી કરવા માંગણી ઉઠી છે.
જૂનાગઢ શહેરમાં આમ તો શામળદાસ ગાંધી ટાઉનહોલમાં અવાર નવાર સારો એવો ખર્ચ થતો રહયો છે. પ્રથમવાર ટાઉનહોલમાં ખર્ચ કરવામાં આવેલ ત્યારે જૂનાગઢનાં વર્તમાન ધારાસભ્ય અને જે તે સમયનાં મનપાનાં પદાધિકારી સંજયભાઈ કોરડીયા દ્વારા ટાઉનહોલનાં રીપેરીંગ કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનાં ગંભીર આક્ષેપો કર્યા હતાં. અને ભારે ચર્ચા જાગી હતી. ત્યારબાદ વર્ષ ર૦રરમાં રૂા.4.5 કરોડનાં ખર્ચે ટાઉનહોલ રીનોવેટ થયા બાદ શહેરીજનોને અર્પીત થતાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થવા લાગ્યા હતાં. આ દરમ્યાન ર૦ર૪માં નવો એરકંડીશન પ્લાન્ટ નાખવા માટે ટાઉનહોલમાં એક કરોડથી વધુ ખર્ચ થયો છતાં ટાઉનહોલ શરૂ ન થયો. અને છેલ્લા ર૦ મહીનાથી બાંધકામ શાખા પાસે મંજુરી માટે દરખાસ્ત માંગવામાં આવી હતી. પરંતુ કોઈ કારણસર રીપોર્ટ આપવામાં વિલંબ કરાયો અને ૧૬ મહીના બાદ કોર્પોરેશનને પ્રત્યુતર મળ્યો કે ટાઉનહોલ જર્જરીત છે અને પાડવો પડે તેમ છે. આ રીપોર્ટને લઈને પણ અનેક સવાલો ઉઠયા છે. બીજી તરફ ટાઉનહોલ જર્જરીત છે જેથી તે બંધ કરવામાં આવ્યો છે. અને મજેવડી દરવાજા નજીક અંદાજીત રૂા. ૭૦ કરોડનાં ખર્ચે આધુનિક ટાઉનહોલ બનાવવા માટેની મનપા દ્વારા જાેરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યાં જ વધુ એક સનસનીખેજ વિગત બહાર આવતાં ભારે ચર્ચા જગાવી છે. મળતી વિગત અનુસાર જૂનાગઢ મનપા દ્વારા મજેવડી દરવાજા નજીક બાંધવામાં આવનાર નવા ટાઉનહોલનાં કામની ટેન્ડર પ્રક્રિયા દરમ્યાન થયેલી ગંભીર ગેરરીતીઓ અને સેટીંગબાજી ખુલ્લી પડી ગઈ છે. મનપાની ટેન્ડર કમીટીએ નીચા ભાવ ભરનારી એજન્સીને ટેકનીકલ ગ્રાઉન્ડ પર ડીસકવોલીફાઈડ કરી ઉંચા ભાવો ભરનાર સીન્ડીકેટને કરોડોનાં ઉંચા ભાવે કોન્ટ્રાકટ પધરાવી દેવા પેરવી કરી હતી. પરંતુ હાઈકોર્ટનાં આકરા વલણ બાદ બાજી ખુલ્લી પડી જતાં સારી એવી ચર્ચા જગાવી છે. તેમજ નવો ટાઉનહોલ કયારે બનશે તે અંગે પણ નિશ્ચિત સમય નથી. ત્યારે જુનો ટાઉનહોલ તત્કાલ રીપેર કરી અને કાર્યરત કરવામાં આવે તેવી કલાકારોની લાગણી અને માંગણી છે. સાથે જ સાંસ્કૃતિક પ્રવૃતિ માટેના પ્લેટફોર્મ ગણાત ટાઉનહોલ બંધ હોય કલાકારોની કલાને ગળુ ઘોંટવાનાં પ્રયાસો સામે ભારે રોષ પ્રવર્તી રહયો છે.