જૂનાગઢમાં નવરાત્રી મહોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી માટે તૈયારી : વિહીપ-બજરંગ દળનો એકશન પ્લાન ગરબીથી પાર્ટી પ્લોટ સુધી ટીમો રાખશે નજર
બહેનો-દીકરીઓની સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલ માટે ગરબી આયોજકો સાથે બેઠક યોજાઈ
જૂનાગઢ તા.૨૬
જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવ શરૂ થાય તે પહેલાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. નવરાત્રી દરમ્યાન શહેરમાં યોજાતી ગરબીઓમાં શાંતિ અને શિસ્ત જળવાઈ રહે તેમજ ખાસ કરીને ગરબી રમવા આવતી બહેનો અને દીકરીઓને કોઈ પ્રકારની હેરાનગતિ કે કનડગતનો સામનો ન કરવો પડે તે માટે અલગ-અલગ ટીમો બનાવી નજર રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનના ભાગરૂપે જૂનાગઢ જાેષીપરા વિસ્તારમાં આવેલા નારાયણ આશ્રમ ખાતે વિવિધ ગરબી મંડળોના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, શિસ્ત, ગરબી મંડળોના આયોજકો સાથે સંકલન અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો તે સમયે લેવામાં આવનારા પગલાં સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં આપવામાં આવેલી માહિતી મુજબ નવરાત્રી દરમ્યાન જૂનાગઢ શહેરમાં વિવિધ જ્ઞાતિઓ અને મંડળો દ્વારા યોજાતી ગરબીઓ ઉપરાંત શેરી-ગલીઓમાં થતી ગરબીઓ તેમજ પાર્ટી પ્લોટમાં યોજાતા મોટા ગરબા કાર્યક્રમો પર અલગ-અલગ ટીમો દ્વારા નજર રાખવામાં આવશે. આયોજકો સાથે પણ સતત સંપર્ક અને સંકલન જાળવવાની તૈયારી કરવામાં આવી છે.
ખાસ કરીને ગરબી રમવા આવતી બહેનો અને દીકરીઓ સાથે કોઈ વ્યક્તિ દ્વારા અભદ્ર વર્તન, હેરાનગતિ કે કનડગત કરવામાં ન આવે તે માટે સતર્કતા રાખવામાં આવશે. કોઈ અનિચ્છનીય ઘટના બને અથવા કોઈ વ્યક્તિ દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો પોતાની રીતે કાર્યવાહી કરવાને બદલે તાત્કાલિક પોલીસ તંત્રને જાણ કરીને કાયદેસરની કાર્યવાહી માટે જરૂરી સહયોગ આપવામાં આવશે તેમ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
આ સાથે ગરબી મંડળોના આયોજકોને પણ પોતાના આયોજન સ્થળ પર જરૂરી સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા અંગે સજાગ રહેવા જણાવવામાં આવ્યું હતું. નવરાત્રી દરમ્યાન ગરબી મંડળો અને સંગઠનની ટીમો વચ્ચે સંકલન જળવાઈ રહે અને કોઈ સમસ્યા સર્જાય તો તેની માહિતી ઝડપથી સંબંધિત તંત્ર સુધી પહોંચાડી શકાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી વિપુલ રાવત, બજરંગ દળ જૂનાગઢ મહાનગર સંયોજક હિતેશ ખુંટી સહિતના આગેવાનો તેમજ શહેરના વિવિધ ગરબી મંડળોના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.


