યાત્રાધામ દ્વારકાના ગીચ વિસ્તારમાં હોટલમાં આગ, ફાયર ટીમની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.25
યાત્રાધામ દ્વારકાના વ્યસ્ત અને ગીચ વિસ્તારમાં આવેલા શાક માર્કેટ નજીકની એક હોટલમાં ગઈકાલે અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી અનુસાર હોટલના ખાનગી ટાવરના ચોથા માળે આગ ભભૂકી ઊઠતા આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં દ્વારકા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ચોથા માળ સુધી પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સમયસર ફાયર બ્રિગેડ પહોંચી જતાં કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. જોકે આગ લાગવાના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગીચ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાને પગલે થોડા સમય માટે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ફાયર વિભાગની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે પરિસ્થિતિ ઝડપથી નિયંત્રણમાં આવી ગઈ હતી.
આ આગને કાબૂમાં લેવા માટે ફાયર સ્ટાફના જવાનો જીતેન્દ્ર કારડીયા, અજય સ્વામી, સુરેશગીરી ગોસ્વામી, ભારાભા કેર અને કૈલાસ ચમડીયાએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.


