ઓખા-વેરાવળ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ એસઆરપી જવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા ગમગીની પ્રસરી

જવાન ગોંડલ મુદતના કામે આવવા નીકળેલ પરંતુ ટ્રેનમાં સુઈ ગયા બાદ ઉઠેલ નહીં અને વેરાવળ પહોચી ગયેલ : વેરાવળ સ્ટેશને સ્ટાફ ટ્રેનની સફાઈ કરવા અર્થે ગયેલ ત્યારે ધ્યાન પડતા ૧૦૮ ની મદદથી સિવીલ હોસ્પીટલે ખસેડેલ

ઓખા-વેરાવળ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ એસઆરપી જવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા ગમગીની પ્રસરી
India Today

વેરાવળ તા.૧૦
ઓખાથી વેરાવળ આવતી ટ્રેનમાં મીઠાપુરથી જનરલ ડબ્બામાં મુસાફરી કરી આવી રહેલ એસઆરપી ગ્રુપ ૨૧ના જવાનનું મુસાફરીમાં આરામ કરી રહેલ દરમ્યાન નિદ્રા અવસ્થામાં આવેલ હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા ગમગીની પ્રસરી ગઈ હતી. આ અંગે રેલવે પોલીસે મૃતમ જવાનના પરીવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ એસઆરપી જવાન ગોંડલ ખાતે કોર્ટ મુદ્દત માટે ટ્રેનમાં બેસીને નીકળેલ હતા પરંતુ કોઈપણ કારણસર ગોંડલ સ્ટેશને ઉતરેલ નહીં અને આ ટ્રેન અંતિમ સ્ટોપ વેરાવળ આવતા બધા પેસેન્જર ઉતરી ગયા બાદ રેલવેના કર્મચારીઓ ટ્રેનના લાઈટ પંખા તથા બારી દરવાજા બંધ કરવા તથા સાફ-સફાઈનું કામગીરી કરવા ગયેલ ત્યારે એક શખ્સ બેભાન અવસ્થામાં જોવા મળેલ હતો. જે અંગે સ્ટેશન માસ્તરને જાણ કરતા પોલીસ કોન્સ. રાજદિપસિંહ ઝાલા, મેણશી જેઠવા સ્થળ પર પહોંચીને ૧૦૮ ને બોલાવી સિવીલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી જવાનને મૃત જાહેર કર્યા હતા. બાદમાં રેલવે આઉટ પોસ્ટના આઈએસઆઈ ભુરાભાઈ  જે. કરગઠીયાએ જવાનના થેલા અને પર્સની તપાસ કરતા એસઆરપી ગ્રુપ ૨૧ નું આઈડેન્ટી કાર્ડ તથા આધાર કાર્ડ,ચૂંટણી કાર્ડ અને મોબાઈલ મળી આવ્યા હતા. જે વિગતના આધારે મૃતકના બહેન અને પિતાને સમગ્ર હકકીતની જાણ કરી હતી. આ સાથે સોમનાથ મંદિરમાં ફરજ બજાવતા એસઆરપી કંપનીના અધિકારીઓને બોલાવતા તેઓ પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલએ પહોંચી મૃતકની ઓળખ કરી હતી. આ મરણ જનાર જવાનનું નામ સુરજભાઈ મોતીભાઈ પૂજાકર(ઉં.વ.૩૮) અને એસઆરપી ગ્રુપ ૨૧માં નોકરી કરી રહેલ તેમજ સી-૧ કર્મવીર સોસાયટી રેલવે પૂર્વ કલોલ જીલ્લો ગાંધીનગર વાળા હતા. બાદમાં જરૂરી કાર્યવાહી કરી મૃતકનું પોસ્ટમોર્ટમ કરી તેના વાલી વારસ ના કહેવાથી તેમની લાશને એસઆરપીના પી.એસ.આઇ રાજુભાઈ  આહીરને સોપી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ મરણ જનાનું મોત હાર્ટ એટેક આવવાની લીધે થયેલાનું જણાય આવેલ છે અને આ બાબતે આગળની વધુ તપાસ વેરાવળ રેલવે પોલીસના એએસઆઈ ભુરાભાઈ કરગટિયાનાઓ ચલાવી રહ્યા છે.