કેવડાવાડી વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર : સરકારી માર્ગદર્શીકાનું સરેઆમ ઉલ્લંઘન
જાહેર આરોગ્યને માટે ગંભીર ખતરા અંગે તાત્કાલીક કાનુની કાર્યવાહી માટે કમિશ્નરને લેખીત ફરીયાદ
જૂનાગઢ તા. ૩૦
જૂનાગઢ મનપામાં ભાજપનાં શાસનમાં શહેરીજનોને રસ્તા, ગટર, પાણીની પાઈપ લાઈન સહીતનાં અનેક પ્રશ્ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.
જુદા જુદા વિસ્તારમાં આડેધડ કામગીરીને કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહયા છે ત્યારે વધુ એક વિસ્તારમાં ભુગર્ભ ગટરની કામગીરી અંતર્ગત લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેવડાવાડી વિસ્તારમાં અમલમાં મુકાયેલી ભુગર્ભ ગટર યોજનામાં થયેલા વ્યાપક ભ્રષ્ટાચાર અંગે કમિશ્નરને વિસ્તૃત પત્ર પાઠવી અને તાત્કાલીક કાર્યવાહી કરવા માટે રજુઆત કરવામાં આવી છે.
જૂનાગઢનાં કેવડાવાડી વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજનાના કામ સામે ફરીયાદો ઉઠવા પામી છે. સોહેલ સીદીકી તેમજ કેવડાવાડી વિસ્તારનાં રહેવાસીઓએ એક લેખીત અરજી કમિશ્નરને પાઠવી છે અને તેમાં જણાવેલ છે કે કેવડાવાડી વિસ્તારમાં અમલમાં મુકાયેલી ભુગર્ભ ગટર યોજના હેઠળ બેદરકારી, ગેરરીતી અને ભ્રષ્ટાચારનાં કૃત્ય થઈ રહયા છે. જે માત્ર સરકારી નાણાંનો દુરઉપયોગ જ નહી પરંતુ જાહેર આરોગ્યને માનવ જીવન માટે સીધો ખતરો ઉભો કરે છે. વધુમાં કેવડાવાડી વિસ્તારમાં ગટર ચેમ્બરનાં નિર્માણ દરમ્યાન નકકી કરાયેલા ટેકનીકલ ધોરણે, ઈજનેરી માર્ગદર્શીકાઓ તથા કવોલીટી કંટ્રોલ નોમ્સનો ખુલ્લેઆમ ભંગ થયો છે. ચેમ્બરનાં તળીયામાં જરૂરી આરસીસી કોન્ક્રીટને બદલે માત્ર રેતી અને નીચી ગુણવતાવાળી સીમેન્ટથી કામ ચલાવવામાં આવી રહયું છે. ઈંટોનાં ચણતરમાં પણ ગુણવતા જાળવવામાં આવતી નથી. ઘણા સ્થળોએ પાણી ભરેલી પરિસ્થિતિમાં જ ચેમ્બરોનું નિર્માણ કરવામાં આવી રહયું છે જે ટેકનીકલી રીતે પણ ખોટુ, ગેરકાયદેસર અને અત્યંત જાેખમી છે. આ બીન ધોરણસર કામગીરીનાં પરીણામે ગટરનું ગંદુ પાણી જમીનમાં સોશાઈ રહયું છે જેનાં કારણે આસપાસનાં બોરવેલ તથા પીવાના પાણીના સ્ત્રોતોમાં દુર્ગંધ અને જીવાણુનું જાેખમ ઉભુ થઈ રહયું છે. આ પરિસ્થિતિ જાહેર આરોગ્ય માટે ગંભીર જાેખમ સર્જે છે. અને રોગચાળો ફેલાવવાની શકયતાઓ પણ વધી રહી છે તે બાબતે રજુઆતો કરવામાં આવી છે. આ વિસ્તારનાં લોકોની માંગણી આ પત્રમાં દર્શાવવામાં આવી છે. જેમાં સમગ્ર ગટર પ્રોજેકટની સ્વતંત્ર અને નિષ્પક્ષ ટેકનીકલ ગુણવતાના અને વહીવટી તપાસ તાત્કાલીક હાથ ધરવામાં આવે તેમજ જવાબદાર કોન્ટ્રાકટર, સુપરવાઈઝર તથા સંકળાયેલા અધિકારીઓ સામે કાયદાકીય જાેગવાઈ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવે. બીન ધોરણસર અને ખામીયુકત રીતે બનાવવામાં આવેલ તમામ ચેમ્બરો તાત્કાલીક તોડી મંજુર થયેલી ડીઝાઈન, ટેકનીકલ સ્પેશીફીકેશન અને કવોલીટી સ્ટાન્ડર્ડ મુજબ ફરીથી નિર્માણ કરવા માંગણી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક પાણીના સેમ્પલ એકત્રીત કરી લેબોરેટરી તપાસ હાથ ધરવામાં આવે તેમજ આરોગ્યલક્ષી પગલા લેવાની માંગણી કરવામાં આવી છે.
સમગ્ર પ્રોજેકટનાં નાણાંકીય વ્યવહારોનું ઓડીટ કરી અને સરકારી નાણાંના દુરઉપયોગ અંગે જવાબદારી નકકી કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. અને જાે આ બાબતે તાત્કાલીક અસરથી અસરકારક પગલા લેવામાં નહી આવે તો ના છુટકે અમારે જીલ્લા કલેકટર, રાજય સ્તરની વિજીલન્સ એજન્સીઓ લોકાયુકત તેમજ અદાલતનો સહારો લેવા મજબુર થવુ પડશે જેની તમામ કાનુની અને વહીવટી પરીણામોની સંપૂર્ણ જવાબદારી સંબંધીત તંત્ર પર રહેશે તેમ પત્રનાં અંતે જણાવવામાં આવેલ છે.


