જૂનાગઢના ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં કોર્ટનો ઐતિહાસીક ચુકાદો : સુરજ ભુવાજી સહિત પાંચને આજીવન કારાવાસની સજા
જૂનાગઢ તા.16
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે ચર્ચાસ્પદ રહેલા બનાવમાં ધારા વિનોદભાઈ કડીવાર (ઉ.22)ની હત્યા કરીને લાશને પેટ્રોલ છાંટીને હત્યા કરવાના કેસમાં અત્રેની કોર્ટે ઐતિહાસીક ચુકાદો આપેલ છે. જૂનાગઢના પાંચમા એડિશ્નલ સેશન્સ કોર્ટ દ્વારા આ કેસમાં મુખ્ય આરોપી સુરજ ભુવાજી સહીત પાંચ આરોપીઓને આજીવન કેદની સજા અને દરેકને રૂા.1.10 લાખનો દંડનો હુકમ કરવામાં આવ્યો છે, જયારે અન્ય ત્રણ આરોપીને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવા આદેશ કર્યો છે. આ બનાવ અંગે મળતી વિગત અનુસાર ધારા કડીવાર અને સોનાપુરી સ્મશાન પાસે રહેતા સુરજ ઉર્ફે ભુવાજી લાખાભાઈ સોલંકી (ઉ.32) વચ્ચે પ્રેમ સબંધ હોય અને ઝાંઝરડા રોડ ઉપર એક એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં ધારા એકલી રહેતી ત્યારે ત્યાં સુરજ તેને મળવા આવતો હતો, ત્યાર બાદ 24 ફેબ્રુઆરી 2022ના રોજ સુરજ સામે ધારાએ દુષ્કર્મની બી ડિવીઝનમાં ફરિયાદ પણ કરી હતી, જો કે બાદમાં બને વચ્ચે સમાધાન થઈ જતા બને મૈત્રી કરારથી ગીરીરાજ રોડ ઉપર શ્રીનાથનગરમાં રહેતા હતા. તે અરસામાં ગત તા.19 જુન 2023ના રોજ સુરજ ધારાને અમદાવાદ કોર્ટમાં તારીખ છે, તેવું જણાવીને કારમાં અમદાવાદ જવા માટે નીકળ્યો હતો, અને રસ્તામાં કારમાં તેણીનું દુપટ્ટા વડે ગળેટુપો આપીને હત્યા કરીને સાયલાના વાંટાવચ્છની સીમમાં સુરજના ખેતરમાં ધારાની લાશ પેટ્રોલ છાંટીને સળગાવી નાખી હતી, અને ધારના કપડા અન્ય જગ્યાએ સળગાવી અને તેનો મોબાઈલ દરિયાની ખાડીમાં નાખી દઈને પુરાવાનો નાશ કર્યો હતો, તે સમયથી ધારા ગુમ હતી, જે અંગે તેના ભાઈએ બી ડિવીઝન પોલીસમાં જાણ કરતા તપાસ કરતા ધારાની હત્યા થયેલ હોવાનું સામે આવ્યું હતું.
દરમ્યાન આ કેસમાં કેસમાં તા.27 મેં 2023ના રોજ બી ડિવીઝન પોલીસમાં સુરજ ઉર્ફે ભુવાજી લાખા સોલંકી (ઉ.32) (સોનાપુરી પાસે), ગુંજન જીતેન્દ્ર જોશી (ઉ.30) (કામદાર સોસાયટી), મિત આનંદ શાહ (ઉ.25) (પાલડી), યુવરાજ લાખા સોલંકી (ઉ.29) (ભવનાથ), મુકેશ બિજલ સોલંકી (ઉ.29) (પાલડી), સંજય મહેશ સોહેલીયા (ઉ.31) (વેજલપુર), જુગલ આનંદ શાહ (ઉ.22) (પાલડી), અને મોના આનંદ શાહ (ઉ.46) (પાલડી) સામે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. જે કેસમાં અત્રેની કોર્ટે સરકારી વકીલ એન. કે.પુરોહિતની દલીલો તેમજ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલા 59 જેટલા મૌખિક અને 69 જેટલા દસ્તાવેજી પુરાવાને ધ્યાને રાખીને મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં પાંચ આરોપી સુરજ ભુવાજી, ગુંજન જોશી, મિત શાહ, યુવરાજ સોલંકી અને મુકેશ સોલંકીને આજીવન કેદની સજા અને દરેકને રૂ.1.10 લાખનો દંડ તેમજ અન્ય ત્રણ આરોપી સંજય સોહેલીયા, મોના શાહ અને જુગલ શાહને અત્રેની પાંચમાં એડીશનલ સેસન્સ જજ હિતેશકુમાર દામોદ્રાએ શંકાનો લાભ આપીને છોડી મુકવાનો ચુકાદો સંભાળાવ્યો હતો.


