જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે અષાઢી બીજની ઉજવણી થશે
સવારથી જ ધાર્મિક સ્થળોએ પૂજન, ધ્વજારોહણ, મહાપ્રસાદ સહીતનાં ઠેર-ઠેર આયોજન- જૂનાગઢમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે
જૂનાગઢ તા.15
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં આવતીકાલે અષાઢી બીજ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. સવારથી જ પૂજન, ધ્વજારોહણ, પ્રસાદ ભોજન, સંતવાણી સહીતના કાર્યક્રમો યોજવામાં આવશે. ભાવિકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે. અષાઢ માસની નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. અને નવરાત્રીની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથેજ આવતીકાલ અષાઢી સુદ-ર એટલે કે અષાઢી બીજની સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. શ્રી જગન્નાથજી રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા આયોજીત 22મી રથયાત્રા શ્રી સોરઠીયા વાળંદ જ્ઞાતીની જગ્યા શ્રી જગન્નાથજી મંદિર ગંદરપ ફળીયા ખાતેથી આવતીકાલ તા.16-7-26ને ગુરૂવારના રોજ બપોરના 3.30 કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, બળદેવજી, બહેન શુભદ્રાજીની ભવ્ય રથયાત્રા નીકળશે. આ રથયાત્રા શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ફરી અને પરત જગન્નાથજી મંદિર છાયા બજાર ખાતે સંપન્ન થશે. આ રથયાત્રામાં સાધુ, સંતો, અગ્રણીઓ, ભાવિકો તેમજ ધર્મપ્રેમી જનતા જાેડાશે. અષાઢી બીજ પર્વની ભક્તિભાવ ભર્યા માહોલ સાથે ઉજવણી કરાશે. વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ સાંજના સમુહ પ્રસાદનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જૂનાગઢ શહેર તેમજ જીલ્લામાં આવેલા ધાર્મિક સ્થળોએ પણ અષાઢી બીજ પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ભેસાણ તાલુકાનાં પરબધામ ખાતે આવેલા સંત દેવીદાસ અમર દેવીદાસની જગ્યાએ પણ ગાદીપતિ પૂ.કરશનદાસ બાપુનાં માર્ગદર્શન હેઠળ અષાઢી બીજ પર્વની ધામધુમથી અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. સવારથી જ સમાધીપૂજન, ધ્વજારોહણ, પ્રસાદ ભોજનનાં કાર્યક્રમો ઉપરાંત અનેકવિધ કાર્યક્રમો યોજાશે. ભાવિકો મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યોમાં સહભાગી બનશે. આ ઉપરાંત તોરણીયા ખાતે આવેલા નકલંગધામ ખાતે પણ અષાઢી બીજ પર્વની ભક્તિભાવ ભેર ઉજવણી કરવામાં આવશે. ગાદીપતિ પૂ.રાજેન્દ્રગીરી બાપુનાં માર્ગદર્શન હેઠળ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે અષાઢી બીજની ઉજવણી થશે. આ ઉપરાંત સતાધાર ખાતે આવેલ આપાગીગા, શામજીબાપુની જગ્યા ખાતે પણ અષાઢી બીજ પર્વની ઉજવણી કરવામાં આવશે. ગાદીપતી પૂ.વિજયબાપુનાં માર્ગદર્શન હેઠળ સવારથી જ પૂજન, ધ્વજારોહણ, પ્રસાદ ભોજન સહીતનાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. ભાવિકો મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થશે. શહેરમાં આવેલ ધાર્મિક સ્થાનો, ભવનાથ તળેટીમાં આવેલ ધર્મસ્થાનો તેમજ ઉપલા દાતાર બાપુની જગ્યાએ પણ અષાઢી પર્વની ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવશે.


