જય રણછોડના ગગનભેદી નારા સાથે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નગરચર્યા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસીક 149મી રથયાત્રા નીકળી : રથયાત્રાના રૂટ પર લાખો લોકોનો માનવ મહેરામણ ઉમટી પડયો વહેલી સવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ દ્વારા મંગળા આરતી કરાઈ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પહીંદવીધી બાદ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ

જય રણછોડના ગગનભેદી નારા સાથે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નગરચર્યા

(બ્યુરો)        અમદાવાદ, તા.16
જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજ રોજ અમદાવાદમાં નીકળી છે. 
જય રણછોડના ગગનભેદી નાદ સાથે સવારે રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. ભગવાન જગન્નાથજી, બલરામ તથા સુભદ્રાજીના રથ યાત્રામાં સામેલ થયા હતા. લાખો લોકો અલૌકિક દર્શન માટે ઉમટી પડયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ વગેરે પણ ધામિર્ક વિધિમાં સામેલ થયા હતા.
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 149મી રથયાત્રામાં અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. સવારે ચાર વાગ્યે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી થઇ હતી જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
આ પછી વિવિધ ધામિર્ક વિધિ બાદ ભગવાન જગન્નાથજી ભાઇ બલરામ તથા બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પહિંદવિધિ બાદ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ‘નંદી ઘોષ‘માં ભગવાન જગન્નાથજી, ‘દર્પદલન‘માં બહેન સુભદ્રાજી તથા ‘તાલધ્વજ‘માં ભાઇ બલભદ્રજી બિરાજમાન હતા.
લાખો ભક્તો જેની મહિનાઓ થયા ચાતક નજરે વાટ જોતા હતા, તેવી અમદાવાદની ભારતના કુંભ મેળા પછીની પોલીસ બંદોબસ્તની દ્રષ્ટિએ દેશની સહુથી મોટી રથ યાત્રાનો જય  રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે, એવી અધઘ સંખ્યામાં ઉમટેલ ભાવિક ભકતોના ગગનભેદી નારાઓ વચ્ચે મંગલમય પ્રારંભ થયો હતો.
 દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે. પ્રતિ વર્ષ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે. રથયાત્રાના માર્ગ પર ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જમાલપુર દરવાજા ખાતે મુસ્લીમ સમાજ દ્વારા રથયાત્રાનું પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રથયાત્રાના માર્ગ પર સતત વિવિધ સંસ્થાઓ, ભાવિકજનો દ્વારા રથયાત્રાનું સ્વાગત થઈ રહ્યું છે. આ લખાઈ રહ્યંુ છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ રથયાત્રા સરસપુર મોસાળમાં પહોંચી ગઈ છે. સમગ્ર રથયાત્રા રૂટ પર અદભૂત દૃશ્યો જાેવા મળી રહ્યા છે. લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ રથયાત્રાના રૂટ પર સતત ખડેપગે નજર રાખી રહ્યા છે. 4500થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.