પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૮
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તારીખ ૭-૧૦-૨૦૨૫ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને રીયલ ડાયમંડ જડેલો મુકુટ એવં એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા એવં હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. મંદિર પટાંગણમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂનમ નિમિત્તે સાંજે ૫ કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું. દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી ૬:૩૦ કલાકે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. મહત્વનું છે કે શ્રી સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવને પૂણિર્માના પવિત્ર દિવસે દિવ્ય અને ભવ્ય રીતે પૂણિર્મા પૂજન(ષોડશોપચાર) કેવળને કેવળ શ્રી હનુમાનજી મહારાજની પ્રસન્નતા માટે આશીર્વાદ માટે કરવામાં આવે છે. ષોડશોપચાર પદ્ધતિ પ્રમાણે પૂજા ૧૬ ચરણોમાં કરવામાં આવે છે. ભોજન, અર્ઘ્ય, આમચન, સ્નાન, વસ્ત્રો, આંતરવસ્ત્રો(યજ્ઞોપવીત અથવા પવિત્ર દોરો), આભૂષણો, સુગંધ, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, સ્તુતિ, તર્પણ અને નમસ્કાર કરી શ્રી હનુમાનજી મહારાજની દિવ્ય આરતી કરી દાદાને પ્રસન્ન કરવામાં આવે છે. આ પૂજન અંદાજે ૧ કલાક સુધી ચાલે છે. આ ષોડશોપચાર પૂજન શ્રી સાળંગપુર ધામમાં દર પૂણિર્માના દિવસે સાંજે ૫ થી ૬:૩૦ વાગ્યા સુધી કરવામાં આવે છે. પૂજનના અંત ભાગમાં દાદાની ભવ્ય રીતે સમૂહ સંધ્યા આરતી કરવામાં આવે છે.


