ફુડ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં છે ત્યારે જૂનાગઢ શહેરમાં ભેળસેળવાળા ખાદ્ય પદાર્થોનું ધુમ વેચાણ
લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે
જૂનાગઢ તા.25
જૂનાગઢ શહેરમાં ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થોનું ધુમ વેચાણ થતું હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. બજારમાં મળતી ભેળસેળ વાળી અને હલકી ગુણવત્તાવાળી વસ્તુઓને લઈને લોકોનાં આરોગ્યને માટે ગંભીર ખતરો રહયો છે. બજારમાં વેચાતા ભેળસેળવાળા પદાર્થોનું વેચાણ કરનારા સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.
એકતરફ દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને કારણે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનાં ભાવો સતત વધી રહયા છે. આજે મોટાભાગની ચીજવસ્તુઓમાં ભેળસેળનું તત્વ ઘુસી ગયું છે. આજે પામ તેલ, સીંગ તેલ, કપાસીયા તેલ,ચટણી, ખાંડ, ચણાનો લોટ સહીતની અનેક આવશ્યક ચીજવસ્તુઓમાં ભેળસેળ થતી હોવાનાં બનાવો બહાર આવેલ છે. આજે શાકભાજી, ફ્રુટ પણ કેમીકલયુકત મળે છે તેવી ફરીયાદો છે. તો બીજીતરફ ખાદ્ય પદાર્થોમાં પણ ભારે ભેળસેળ થતી હોવાની ફરીયાદો છે. ખાસ કરીને કેટલીક રેસ્ટોરન્ટ, લારીઓ, હોટલોમાં પણ પનીરના નામે ભેળસેળ યુકત ખાદ્ય ચીજ ગ્રાહકોને પધરાવી દેવામાં આવતી હોવાની બુમ ઉઠી છે. આજના મોંઘવારીનાં આ કપરા કાળમાં સામાન્ય રીતે લોકો સસ્તી વસ્તુઓ લેવા પર આકર્ષાયા છે. અને જેનો લાભ ભેળસેળીયા તત્વો ઉઠાવી રહયા છે. આજે ફરસાણની બજારમાં જાેઈએ તો શુધ્ધ સીંગ તેલના વણેલા ગાઠીયાનો ભાવ એક કિલોના રૂા.600 જેવો હોય છે. જેને લઈને લોકો વણેલા ગાંઠીયા ખરીદતા બંધ થઈ રહયા છે. અને વણેલા ગાંઠીયાના વેચાણમાં ભારે ઘટાડો આવ્યો છે. હવે લોકો વણેલા ગાંઠીયાના બદલે તેમને પોસાય તે ફરસાણ તરફ વળ્યા છે. ખાસ કરીને બજારમાં પાપડી ગાંઠીયા, તીખા ગાંઠીયાનું વેચાણ અને માંગ સતત વધી રહી છે. ગાંઠીયાનાં શોખીનો હવે પાપડી ગાંઠીયા તરફ વળતા જાય છે. મોઘંવારીના સમયમાં બજારોમાં મળતી મોટાભાગની સામગ્રી ખોરાકની વસ્તુઓ રૂા.250થી રૂા.300માં મળતી મીઠાઈ ફરસાણની વસ્તુઓના આજે ડબલ ભાવ થયા છે. તેજ રીતે દુધ અને મલાઈની મીઠાઈઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે એકલા જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના મોટાભાગના શહેરોમાં ભેળસેળવાળા પદાર્થોનું બેફામ વેચાણ થઈ રહયું છે. હલકી ગુણવત્તાવાળા પદાર્થોને લઈને લોકોનાં આરોગ્યને ભારે અસર પહોંચી રહી છે. તાજેતરમાં રાજકોટમાંથી બહાર આવેલ ભેળસેળનાં એક કિસ્સામાં મકાઈનાં લોટને ઘઉંના લોટમાં ભેળવી વેચાણ કરવામાં આવતું હતું. ફુડ વિભાગની ટીમ દ્વારા ચેકીંગ કરી ભેળસેળનો પર્દાફાશ કર્યો હતો. મોટાભાગનાં શહેરોમાં ભેળસેળનાં બનાવો બન્યા છે જ, જૂનાગઢ શહેરમાં પણ હલકી ગુણવત્તા વાળા ભેળસેળ યુકત પદાર્થો વેચાતા હોવાની અનેક ફરીયાદો ઉઠી છે. વાસી ખોરાક, સડેલો ખોરાક કે ભેળસેળયુકત પદાર્થ એટલે કે અખાદ્ય પદાર્થ મોટી માત્રામાં વેચાઈ રહયાની ચર્ચા છે.
બજારમાં વેચાતા ભેળસેળવાળા પદાર્થો સામે કામગીરી કરવા માટે ફુડ તંત્ર કામ કરતું હોય છે પરંતુ જૂનાગઢ મનપાનો ફુડ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં છે. લોકોની ફરીયાદો અને ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ફુડ વિભાગે આળસ ખંખેરી શહેરમાં ચેકીંગ કરવું જાેઈએ અને ભેળસેળવાળી વસ્તુઓ કયા વેચાઈ રહી છે તે અંગે માહિતી મેળવી આવી દુકાન, રેસ્ટોરન્ટ, હોટલ, લારીઓ વગેરેમાં ચેકીંગ કરી ખાદ્ય પદાર્થનાં નમુના લેવા જાેઈએ તેમજ કયાંય પણ અખાદ્ય પદાર્થ વેચાતો હોય તો તેનો જથ્થો પકડી પાડી નાશ કરવો જાેઈએ તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જાેઈએ. તહેવારો નજીક આવી રહયા છે ત્યારે બજારોમાં ભેળસેળવાળા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે જૂનાગઢ મનપાનાં ફુડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠવા પામી છે.


