ભાવનગર ઝોનના ૪ જિલ્લામાં ‘સ્વચ્છ શહેર ૧૦૦ દિવસ મહાઅભિયાન’, નગરપાલિકાઓ માટે સ્વચ્છતા માસ્ટરપ્લાન તૈયાર

ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ૧૦૦% ડોર-ટુ-ડોર કચરા કલેક્શન પર ભાર; જાહેરમાં ગંદકી કરનાર સામે ‘સ્વચ્છતા માર્શલ’ની કાર્યવાહી, ફ્લાઈંગ સ્ક્વોડ કરશે સરપ્રાઈઝ ચેકિંગ

ભાવનગર ઝોનના ૪ જિલ્લામાં ‘સ્વચ્છ શહેર ૧૦૦ દિવસ મહાઅભિયાન’, નગરપાલિકાઓ માટે સ્વચ્છતા માસ્ટરપ્લાન તૈયાર

જૂનાગઢ, તા.૭
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અંતર્ગત રાજ્યભરમાં તારીખ ૦૧/૦૯/૨૦૨૬થી ‘સ્વચ્છ શહેર ૧૦૦ દિવસ મહાઅભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના અસરકારક અમલીકરણ માટે ભાવનગર ઝોન હેઠળ આવતા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના શહેરો માટે ૧૦૦ દિવસીય સ્વચ્છતા માસ્ટરપ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
અભિયાનના આયોજન અને કામગીરીની સમીક્ષા માટે ભાવનગર ઝોન કચેરી ખાતે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ અને અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચારેય જિલ્લાના તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરો હાજર રહ્યા હતા. શહેરોમાં દેખીતી સ્વચ્છતા એટલે કે ‘Visible Cleanliness’ સુનિશ્ચિત કરવા અને નિર્ધારિત લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હતા.
સમીક્ષા બેઠકમાં તમામ નગરપાલિકાઓને ૧૦૦ ટકા ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. રહેણાંક વિસ્તારોમાંથી દિવસમાં એક વખત અને કોમર્શિયલ વિસ્તારોમાંથી દિવસમાં બે વખત કચરો એકત્ર કરવાની સૂચના આપવામાં આવી છે. કચરા કલેક્શનના વાહનોમાં GPS/VTMS દ્વારા મોનિટરિંગ તેમજ સાઉન્ડ સિસ્ટમથી જિંગલ વગાડવાની વ્યવસ્થા પણ ફરજિયાત બનાવવામાં આવી છે.
શહેરોમાં જ્યાં વારંવાર કચરો એકત્ર થતો હોય તેવા તમામ ન્યુસન્સ પોઈન્ટ્સની ઓળખ કરી તેનું GIS/Geo-tagging મેપિંગ કરવામાં આવશે. આવા પોઈન્ટ્સને સંપૂર્ણપણે દૂર કર્યા બાદ તે સ્થળે વોલ આર્ટ, પેઇન્ટિંગ અથવા વૃક્ષારોપણ દ્વારા બ્યુટીફિકેશન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
અભિયાનમાં જનભાગીદારી વધારવા માટે વોલન્ટિયર્સ, NGOs, NSS અને સખી મંડળોને જોડીને ‘સ્વચ્છતા આર્મી’ તૈયાર કરવામાં આવશે. આ ટીમ દ્વારા ઘરે-ઘરે તેમજ શાળાઓમાં જઈને ભીનો, સૂકો, સેનિટરી અને જોખમી એમ ચાર પ્રકારના કચરાના અલગ-અલગ વર્ગીકરણ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે અને સંકલ્પ પત્રો પણ ભરાવવામાં આવશે.
બીજી તરફ જાહેર સ્થળોએ ગંદકી કરનારાઓ સામે ‘સ્વચ્છતા માર્શલ’ દ્વારા દંડકીય કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાઓની કામગીરી પર નજર રાખવા પ્રાદેશિક કચેરી કક્ષાએથી ‘સ્વચ્છતા ફ્લાઈંગ સ્ક્વોડ’ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે.
નગરપાલિકાઓએ દૈનિક સ્વચ્છતા કામગીરી, કચરાનું પ્રોસેસિંગ, જનજાગૃતિ કાર્યક્રમો અને નાગરિકોની ફરિયાદોના ૨૪ કલાકમાં કરવામાં આવેલા નિવારણનો રિપોર્ટ જીઓ-ટેગ ફોટોગ્રાફ્સ સાથે ‘સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર’ એટલે કે SSK પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.
બેઠકના અંતે ભાવનગર ઝોન હેઠળના શહેરોને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવા માટે લોકપ્રતિનિધિઓ તેમજ નાગરિકોને ‘સ્વચ્છ શહેર ૧૦૦ દિવસ મહાઅભિયાન’માં સક્રિય સહયોગ આપવા આહ્વાન કરવામાં આવ્યું હતું.