માંગરોળમાં વિવિધ વિસ્તારોમાં આવેલી જર્જરિત ઈમારતો, મકાનોના જાેખમી ભાગ ઉતારી લેવાયા

માંગરોળમાં વિવિધ વિસ્તારોમાં આવેલી જર્જરિત ઈમારતો, મકાનોના જાેખમી ભાગ ઉતારી લેવાયા

(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.10
માંગરોળમાં રાહદારીઓ તથા આડોશ પાડોશમાં રહેતા લોકો માટે જોખમી એવી જર્જરિત ઈમારતો, મકાનો, દિવાલો સંબંધે  ન.પા.એ કાર્યવાહી હાથ ધરી છેલ્લા બે માસમાં વિવિધ વિસ્તારોમાં 28 જેટલા મકાનોનો જોખમી ભાગ ડિમોલિશન કર્યો છે. તાજેતરમાં ત્રણ દિવસમાં 40 ઈંચ વરસાદ પડયા બાદ આ કામગીરી સઘન બનાવવામાં આવી છે. શહેરમાં અનેક જુનવાણી મકાનો આવેલા છે. અમુક મકાનમાલિકો બહાર ગામ વસી ગયા હોવાથી વર્ષોથી મકાનોના તાળા જ ખુલ્યા ન હોય, બંધ હાલતમાં છે. આ ઉપરાંત અનેક મકાનો જર્જરિત હાલતમાં છે. ત્યારે આ વર્ષે ન.પા.એ પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત સર્વે હાથ ધરી ઈમારત ઉતારી લેવા કે રિનોવેશન કરવા 215 થી 220 જેટલા મકાનમાલિકોને નોટીસો આપી છે. 
ન.પા. ચિફ ઓફીસર, એન્જી., આસિ.એન્જી. બાંધકામ ખાતાના સહાયક, સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફે પીજીવીસીએલ તંત્રને સાથે રાખી ખાટકીવાડ, બંદરઝાંપા પાસે, જેઈલ પાછળ સહિતના વિસ્તારોમાં જેસીબીની મદદથી 15 જેટલા મકાનોનો જોખમી ભાગ દુર કર્યો છે. જયારે જેસીબી ન જઈ શકે તેવા વાંઝાવાડ, શેઠ ફળીયુ, ધ્રુવ ફળીયા સહિત સાંકડા વિસ્તારોમાં પાલિકાની 3 ટીમોના માણસો દ્વારા 13 જેટલી જગયાએ જોખમી ભાગ, દિવાલો ઉતારી લેવાયા છે. ન.પા.ચિફ ઓફીસર આર. ધોળકીયાએ જણાવ્યું હતું કે આ કામગીરી હાલ ચાલુ જ છે. નોટીસ આપ્યા બાદ 10 થી 15 મકાન માલિકોએ મુદત માંગી છે. વધુમાં નોટીસ આપવામાં આવી છે તે લોકો મકાન ઉતારવા પાત્ર હોય કે રિનોવેશન જરૂરી હોય તે કામગીરી હાથ ધરવી, અન્યથા આગામી દિવસોમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.