મહિલા આરક્ષણનું જુનુ બીલ લાવો, અમે સમર્થન કરીશું, ગઈકાલે લોકતંત્રની મોટી જીત થઈ : સરકારના ષડયંત્રને અમે નિષ્ફળ બનાવ્યું : પ્રિયંકા ગાંધી
(એજન્સી) નવી દિલ્હી તા.૧૮:
આજે બપોરે નવી દિલ્હી ખાતે કોંગ્રેસ પક્ષના નેતા પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસ પક્ષની સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, અમારી લડાઈ મહિલા આરક્ષણ મુદ્દે નહીં પરંતુ પરીસીમન બાબતે હતી. સત્તાધારી પક્ષને પહેલીવાર જટકો લાગ્યો છે. અમે સરકારના ષડયંત્રને નિષ્ફળ કરી દીધું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, શાસક પક્ષ દ્વારા સત્તામાં બની રહેવા માટે એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. અને આરક્ષણના નામે મહિલાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. હાલમાં યોજાઈ રહેલી ચૂંટણી વચ્ચે સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું. પ્રિયંકા ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે, સરકાર અગાઉનુ જુનુ બીલ લાવે અમે તેનું સમર્થન કરીશું. દેશની મહિલાઓ મૂર્ખ નથી. અમે પાછુ ભારપૂર્વક કહીએ છીએ કે, ર૦ર૩નું મહિલા આરક્ષણ લાગુ કરો. અમે સમર્થન કરીશું. ગઈકાલે લોકસભામાં લોકતંત્રની મોટી જીત થઈ છે અને સત્તા પક્ષને મોટો જટકો લાગ્યો છે. દેશની મહિલાઓ બધુ જાેઈ રહી છે. છેલ્લા ૧ર વર્ષમાં દેશની સ્થિતિ બદલાઈ ગઈ છે. સરકાર માત્ર ક્રેડીટ લેવાની રાજનીતી કરી રહી છે. તેમ જણાવતા પ્રિયંકાએ કહ્યું કે, સરકાર મહિલાઓને ગેરમાર્ગે દોરે નહીં. જુનુ બીલ લાવીને મહિલાઓને તેમના હક્ક આપે. દક્ષીણના રાજયો અને નાના રાજયો પર સરકારની નિયત ઠીક નથી. અમને સરકારની વાતો પર ભરોસો નથી. તેમણે કહ્યું કે, અચાનક સત્ર બોલાવવા પર તેઓ ખુબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ અમે ગઈકાલે સરકારને સંસદમાં હરાવી દીધી છે. વિપક્ષની જીત થઈ છે. અને સરકારની હાર થઈ છે. પરીસીમન અંગે સરકાર પર અમને વિશ્વાસ નથી. વિપક્ષની એકતા ખુબ જ મજબુત છે તેમ તેમણે જણાવ્યું હતું.


