રસ્તાનું કામ અટકાવવા વનવિભાગ સિંહોનું બહાનું આગળ ધરે છે : ગોપાલ ઈટાલીયા

બોગસ મંડળીઓ, ખેડૂતોનાં પ્રશ્નો, ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ તેમજ રસ્તાના કામો અંગે ધારાસભ્યો દ્વારા અસરકારક રજુઆત કરાઈ

રસ્તાનું કામ અટકાવવા વનવિભાગ સિંહોનું બહાનું આગળ ધરે છે : ગોપાલ ઈટાલીયા

જૂનાગઢ તા. ૧
વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા દ્વારા ગઈકાલે મળેલી જીલ્લાની ફરીયાદ અને સંકલન બેઠકમાં અનેક પ્રશ્ને રજુઆતો કરાઈ હતી. આ ઉપરાંત વિસાવદરથી કાંસીયાનુસ તરફ જતો રસ્તો બનાવવાની માંગણી અને રજુઆતન ગોપાલ ઈટાલીયાએ કરી હતી. વર્ષો થયા આ પ્રશ્ને રજુઆતો કરવામાં આવે છે પરંતુ વનવિભાગ સિંહનું બહાનું આગળ ધરે છે. ગુજરાતમાં આવેલા અન્ય નેશનલ પાર્કમાં રસ્તો બનાવવામાં સિંહને કોઈ તકલીફ વાંધો નથી જયારે વિસાવદર કાંસીયાનેસ તરફ રસ્તો બનાવવામાં સિંહને વાંધો છે તેવો કટાક્ષ પણ ગોપાલ ઈટાલીયાએ કર્યો હતો. જૂનાગઢ જીલ્લા સેવા સદન ખાતે ગઈકાલે ઈન્ચાર્જ કલેકટર જયંતસિંહ રાઠોરના અધ્યક્ષ સ્થાને જીલ્લા સંકલન અને ફરીયાદ સમીતીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ વિધાનસભા ક્ષેત્રોમાં ખખડધજ રસ્તાઓનો મુદો ગાજયો હતો. અને ધારાસભ્યોએ માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓને તેમની નિષ્ક્રીયતા બાબતે બરાબરના ખખડાવ્યા હતાં. આ તકે વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ રસ્તાનાં કામોમાં કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતનો ગંભીર આક્ષેપ કર્યો હતો. સરસઈ ગામે લેઆઉટ પ્લાનનો પડતર પ્રશ્ન તેમજ અનેક રસ્તાનાં વર્ષો જુના પડતર કામો બાબતે રજુઆતો કરાઈ હતી. ભટવાવડીથી લુંધીયા અને જાંબાળાથી લીલીયા રોડનું ટેન્ડર બજાર ભાવ કરતાં ૬૧ ટકા ઉંચા ભાવે અપાયું હોવા છતાં પાંચ વર્ષથી કામ શરૂ થયુ નથી. આ ઉપરાંત વિસાવદરમાં નવી અદાલતની મંજુર થયેલી જમીન પરથી થાંભલા ખસેડવા જેટકો દ્વારા માર્ગ અને મકાન વિભાગ પાસે પોણા બે કરોડ રૂપિયાની માંગણીનો મુદો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત જયાં જયાં ગ્રામ પંચાયત નથી ત્યાં નવી કચેરી બનાવવી તેમજ એક નવુ બાંધકામ થતું હતું ત્યારે પછી ખબર પડી કે આ તો ગૌચરની જમીન છે. જેથી આવી કામગીરી સામે પગલા લેવાની માંગણી કરવામાં આવી છે. ગોપાલ ઈટાલીયાએ ખાસ કરીને વિસાવદરનાં કાંસીયા નેશથી સાસણ સુધીનાં રસ્તા બનાવવાની માંગણી કરવામાં આવી છે. પરંતુ સિંહોનાં બહાને રસ્તાનાં કામો વન વિભાગ અટકાવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બોગસ ચાલતી મંડળીઓનો પ્રશ્ન પણ ગુંજયો હતો. ગઈકાલની યોજાયેલી બેઠકમાં વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા, માંગરોળનાં ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા, માણાવદરનાં ધારાસભ્ય અરવિંદ લાડાણી, કેશોદનાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢનાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા વગેરે ઉપસ્થિત રહયા હતાં.