વેરાવળ-હરીદ્વાર ટ્રેન કાયમી કરવા જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમાની રેલમંત્રીને રજુઆત

જુલાઈ માસમાં શરૂ કરવામાં આવેલી આ ટ્રેન હાઉસફુલ દોડયા છતાં પણ બંધ કરી દેવામાં આવતાં પુર્ન: શરૂ કરવા લોકલાગણી

વેરાવળ-હરીદ્વાર ટ્રેન કાયમી કરવા જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમાની રેલમંત્રીને રજુઆત

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા. ૧ર
જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવને ગઈકાલે રૂબરૂ મળી અને વેરાવળ-હરીદ્વાર ટ્રેન કાયમી કરવાની માંગણી કરવામાં આવી છે. જૂનાગઢ અને સૌરાષ્ટ્ર વાસીઓની લાંબા સમયની માંગણીને ધ્યાને લઈ રેલ્વે વિભાગ દ્વારા જુલાઈ માસમાં પ્રાયોગીક ધોરણે વેરાવળ-હરીદ્વાર ટ્રેન શરૂ કરવામાં આવી હતી. અને ૪ જેટલી ટ્રીપ શરૂ કરતા આ ચારેય ટ્રીપ હાઉસફુલ રહી હતી. અને ત્યારબાદ આ ટ્રેન ફરી પાછી બંધ કરી દેવામાં આવતાં લોકોમાંથી આ ટ્રેન શરૂ કરવાની માંગણી વ્યકત કરવામાં આવી હતી. પરંતુ રેલ્વે વિભાગ દ્વારા આ અંગે આગળની કોઈ કાર્યવાહી થઈ નથી તેવા સંજાેગોમાં આ પ્રશ્ને જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમાએ હાથ પર લઈ અને રેલ્વે મંત્રીને રજુઆત કરવામાં આવી છે. જૂનાગઢ અને ગીર સોમનાથનાં રેલ્વેનાં વિવિધ પ્રશ્નો તેમજ વેરાવળ-હરીદ્વાર ટ્રેન કાયમી કરવાની માંગણી સાથેની રજુઆત કરવા માટે ગઈકાલે જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવને રૂબરૂ મળ્યા હતાં. અને અસરકારક રજુઆતો કરી હતી. સાંસદ રાજેશ ચુડાસમાની રજુઆતને ધ્યાને લઈ રેલ્વે મંત્રીએ હકારાત્મક કાર્યવાહી કરવાની ખાત્રી આપી હોવાનો સાંસદ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. શ્રધ્ધાળુઓની સુવિધા માટે સોમનાથ-હરીદ્વાર સીધી રેલ્વે સેવા કામયી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.