વાહન ચાલકો માટે ખુશખબર : નાયરા એનર્જીએ પેટ્રોલમાં રૂા.5, ડીઝલમાં રૂા.3નો ઘટાડો કર્યો

વાહન ચાલકો માટે ખુશખબર : નાયરા એનર્જીએ પેટ્રોલમાં રૂા.5, ડીઝલમાં રૂા.3નો ઘટાડો કર્યો

(એજન્સી)         નવીદિલ્હી તા.1
દેશના કરોડો વાહનચાલકો માટે જુલાઈ મહિનાનો પ્રથમ દિવસ ખુશીના સમાચાર લઈને આવ્યો છે. ખાનગી ક્ષેત્રની દિગ્ગજ ઓઈલ રિટેલર કંપની ‘નાયરા એનર્જી’એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૫ાંચ રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો ઘટાડો કર્યો છે. છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયગાળામાં રિટેલ ઈંધણના ભાવમાં કોઈ કંપની દ્વારા કરવામાં આવેલો આ પ્રથમ મોટો ઘટાડો છે, જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી છે.
છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે કાચા તેલના (Crude Oil) ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, હવે આ પ્રદેશમાં તણાવમાં ઘટાડો થતા અને મુખ્ય દરિયાઈ માર્ગો ફરી ખુલતા ક્રૂડ ઓઈલ અને એલએનજીનો પુરવઠો સુધર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ નરમ પડતા તેનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે નાયરા એનર્જીએ આ ભાવકપાતનો ર્નિણય લીધો છે. નોંધનીય છે કે, માર્ચ મહિનામાં જ્યારે વૈશ્વિક તણાવને કારણે ભાવ વધ્યા હતા, ત્યારે કંપનીએ જે વધારો કર્યો હતો, તે હવે સંપૂર્ણપણે પાછો ખેંચી લીધો છે.