અમદાવાદમાં ધોધમાર વરસાદ : તમામ અંડરબ્રિજ બંધ : મુખ્યમંત્રીનો કાફલો ટ્રાફીકમાં ફસાયો
(બ્યુરો) અમદાવાદ તા.23
અમદાવાદમાં ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે, જેમાં સિંધુભવન, એસ.જી. હાઈવે અને બોપલ જેવા મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને સુરક્ષાના ભાગરૂપે વિવિધ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે.
આ વિકટ પરિસ્થિતિ વચ્ચે થલતેજ મેટ્રો સ્ટેશન નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. વરસાદી પાણીના નિકાલના અભાવે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થતાં પ્રજાજનો મુશ્કેલીમાં મુકાયા છે. બે કલાકમાં બે ઇંચ વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે. અંડરબ્રિજો બંધ, ઠેર-ઠેર વાહનોની લાંબી કતાર લાગી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાફલો પણ ટ્રાફીકમાં ફસાયો હોવાનું જાણવા મળેલ છે.


