વિસાવદર ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી
(બ્યુરો) વિસાવદર તા.23
જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ દેશના વિદ્યાર્થીઓ અને યુવાનો પર થયેલા બેરહેમીભર્યા લાઠીચાર્જ તેમજ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં આજે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકા મથકે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અમીત પટેલે જણાવ્યું હતું કે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાના હકો માટે લોકશાહી ઢબે અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે તેમની સામે બળપ્રયોગ કરીને લાઠીચાર્જ કરવો અત્યંત નિંદનીય છે. સાથે જ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયત કરીને કેન્દ્ર સરકાર લોકશાહી મૂલ્યોનું હનન કરી રહી છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર રાજકીય વિરોધીઓના અવાજને દબાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે. વિરોધ અને અસહમતિના અવાજને દબાવવાના આવા પ્રયાસો લોકશાહી માટે ઘાતક છે. કોંગ્રેસ પક્ષ આવા દમનકારી વલણનો સખત શબ્દોમાં વિરોધ કરે છે અને લોકશાહી તથા બંધારણીય અધિકારોની રક્ષા માટે સતત લડત ચાલુ રાખશે.
આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના, જીલ્લા પ્રભારી શેહનાજબેન બાબી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ,તાલુકા પ્રમુખ કરશન ભાઈ વડોદરીયા, ભાવેશભાઈ કાતરિયા, દ્ગજીેંૈં ના પ્રમુખ મયૂરભાઈ સાવલિયા,અકીલ ચોટલીયા લાલભાઈ કોટડીયા ખીમજી ભાઈ બળદાણીયા, રમેશભાઈ ભાષા, દલસુખભાઈ રામાણી આગેવાનો, કાર્યકરો ની અટક કરી હતી તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ આંદોલનમાં જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો તેમ જણાવ્યું છે.


