દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, ઉમરગામમાં 36 ઇંચ વરસાદ; અમદાવાદ-સુરતમાં જનજીવન ઠપ
વલસાડ, સુરત અને નવસારીમાં પૂર જેવી સ્થિતિ, હજારો લોકોનું સ્થળાંતર; મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય સમીક્ષા શરૂ કરી
અમદાવાદ તા.23
ગુજરાતમાં ચોમાસાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. સૌથી વધુ અસર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં જોવા મળી છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં અંદાજે 36 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે અને અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને બોટની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.
હવામાન વિભાગના આંકડા મુજબ ઉમરગામમાં 35.67 ઇંચ, કપરાડામાં 29 ઇંચ, નાનાપોઢામાં 25.31 ઇંચ અને ધરમપુરમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે. માત્ર મધરાતથી વહેલી સવાર દરમિયાન જ ઉમરગામમાં 17.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન પણ રાજ્યના 108 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ ઉમરગામમાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો છે.
સુરત શહેરમાં પણ ભારે વરસાદના કારણે સ્થિતિ ગંભીર બની છે. સવારે ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસતાં ભેદવાળ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. અન્ય ખાડીઓ પણ ભયજનક સપાટીએ વહેતી હોવાથી વહીવટીતંત્ર દ્વારા ખાડી કિનારે રહેતા 2,244 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુરતની મીઠી ખાડીમાંથી એક મૃતદેહ મળી આવ્યાની ઘટના પણ સામે આવી છે, જેના પગલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.
હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત 11 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચ્યા છે, જ્યાંથી તેઓ સુરત, વલસાડ અને નવસારી સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ઝડપથી આગળ વધે તે માટે મંત્રીઓ તથા વરિષ્ઠ IAS અધિકારીઓને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર અને બચાવ દળો સતત પરિસ્થિતિ પર નજર રાખી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીમાં જોડાયેલા છે.


