સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢનો માનવીય અંધ, અનાથ, ભિક્ષુક, દિવ્યાંગ અને વૃદ્ધોનો જઠરાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ

સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢનો માનવીય અંધ, અનાથ, ભિક્ષુક, દિવ્યાંગ અને વૃદ્ધોનો જઠરાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૦
રાજકોટના મુસ્લિમ બિરાદર શિવભક્ત અહેસાન બી. ચૌહાણ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે દિવ્યાંગ બાળકો, અંધ, અનાથ, ભિક્ષુક તેમજ વૃદ્ધાશ્રમના ૧૫૦ જેટલા લોકોને સોમનાથ દાદાના દર્શન કરાવ્યા છે. અહેસાનભાઈ દ્વારા આ પ્રકારે સોમનાથ દાદાના દર્શનાર્થે રેલવે દ્વારા વર્ષોથી યાત્રા કરાવવામાં આવે છે. માનવ જીવનમાં આ પ્રકારના માનવીય કર્મો કર્યા હોય અને ઉપર ગયા પછી ઈશ્વર જ્યારે પૂછે કે તમોએ બીજા માટે શું કર્યું ? ત્યારે જો મેં કે તમે આ પ્રકારના કાર્યો કર્યા હશે તો ચોક્કસ કામ આવશે. માટે જીવનમાં થાય એટલા સારા કર્મ કરી લેવા. આ યાત્રામાં સોમનાથથી પરત ફરતા જૂનાગઢની માનવીય સેવા યજ્ઞમાં અજોડ જાણીતી સંસ્થા એટલે સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજાના અથાગ પ્રયત્નો થકી તેમજ દાતાઓ રમણીકભાઈ રાણીંગા તથા મુકેશભાઈ રાણીગાના આર્થિક સહયોગથી પૂરી-શાક, માંડવીપાક, ફરાળી ચેવડો, પેટીસ, સૂકીભાજી, છાશ સાથે રાત્રી ભોજન તૈયાર કરાવી સાંજના જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે સ્ટેશન માસ્ટર પંકજભાઈ શર્માના સહકાર સાથે ૧૫૦ લોકોની ડીશ બનાવી તેમને હાથો હાથ આપી જમાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ માનવસેવા યજ્ઞની ભોજન સામગ્રી તૈયાર કરવામાં શ્રી મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, રમાબેન બેસ ,દક્ષાબેન જાની, જાગૃતીબેન ભટ્ટ, વિલાસબેન ચાવડા, મોનિકાબેન ટીલવાણી, દ્વારા તૈયાર કરવામાં આવેલ હતી. આ માનવસેવા યજ્ઞમાં સંસ્થાના પ્રમુખ સાથે બટુકબાપુ, કે.એસ. પરમાર, ચંપકભાઈ જેઠવા, અરવિંદભાઈ મારડિયા, અલ્પેશભાઈ પરમાર, મનહરસિંહ ઝાલા, જયાબેન પરમાર, હેમાબેન રૂપારેલીયા, રાજેન્દ્રભાઈ ચુડાસમા તેમજ મનોજભાઈ સાવલિયા જોડાયા હતા.