કેશોદમાં વિદ્યાર્થીઓને રોજગાર કાર્ડનું વિતરણ, કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો
જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં યુવાઓને રોજગાર, તાલીમ અને સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી
જૂનાગઢ, તા. 12
જિલ્લાના યુવાઓને રોજગારની તકો અને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત કેશોદની કે. એ. વણપરીયા કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ તેમજ કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુવાઓને જિલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓનો વધુમાં વધુ લાભ મળી રહે અને રોજગાર માટે જરૂરી નોંધણીની પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે હેતુથી જિલ્લામાં શાળા, કોલેજ અને ઔદ્યોગિક સંસ્થાઓમાં નામ નોંધણી કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત કેશોદ ખાતે યોજાયેલા કેમ્પમાં વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવી તેમની રોજગાર કચેરીમાં નામ નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
નોંધણી બાદ તૈયાર થયેલા રોજગાર કાર્ડનું સંબંધિત સંસ્થામાં વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રોજગાર કાર્ડની નોંધણીનું રીન્યુઅલ અને જરૂરી માહિતીનું અપડેશન કેવી રીતે કરવું તે અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને જિલ્લા રોજગાર કચેરી દ્વારા અમલી વિવિધ યોજનાઓ અને સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં કારકિર્દી માર્ગદર્શન, એમ્પ્લોયમેન્ટ કાર્ડ રજીસ્ટ્રેશન, નિવાસી તાલીમ યોજના, ભરતી મેળા, પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, આર્મી નિવાસી તાલીમ, સ્વરોજગાર શિબિર, સેમિનાર અને કાઉન્સેલિંગ સહિતની તકો અંગે સમજ આપવામાં આવી હતી.
યુવાનોને સરકારી યોજનાઓ અને રોજગારલક્ષી સેવાઓનો યોગ્ય લાભ મળી રહે તે માટે કચેરીની કામગીરી અને નોંધણી પ્રક્રિયા અંગે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પોતાની શૈક્ષણિક લાયકાત અને રસ પ્રમાણે ઉપલબ્ધ કારકિર્દીના વિકલ્પો અંગે માર્ગદર્શન મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
નામ નોંધણી કેમ્પની કામગીરી માટે જિલ્લા રોજગાર કચેરીના કાઉન્સેલર વી. ટી. પાંચાલીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી, જ્યારે કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર માટે એસ. ડી. યાદવે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા રોજગાર અધિકારી ડી. એ. પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવ્યા મુજબ, આવા નામ નોંધણી કેમ્પ અને માર્ગદર્શન કાર્યક્રમોનો મુખ્ય હેતુ જિલ્લાના વધુમાં વધુ યુવાઓને રોજગારલક્ષી સેવાઓ સાથે જોડવાનો અને તેમને યોગ્ય કારકિર્દી પસંદગી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો છે.


