ખંભાળિયાના વિકાસમાં ૭૬ કરોડની સલાયાની ન્યૂ બંધારા યોજના મંજુર
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૭
ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરાના સતત પ્રયત્નોથી મંજૂર થયેલી રૂા. ૭૬ કરોડની ન્યૂ બંધારા યોજના સલાયા સહિત સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદરૂપ બનશે. આ યોજના થકી આગામી સમયમાં લગભગ ૪૦ હજાર લોકોને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ, દરિયાઈ ખારાશથી ખેતીની જમીનનું રક્ષણ તથા વિશાળ વિસ્તારના ભૂગર્ભ જળસ્તરમાં વધારો જેવા અનેક લાભો મળશે.
અહીંના ડેમ સાઇટની શુક્રવારે મુલાકાત પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા સાથે સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ભરવાડ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


