જૂનાગઢના જવાહર રોડ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય ગેટનાં નિર્માણ માટે રૂા.૧.પ૧ કરોડ ઓળવી જઈ છેતરપિંડી કરી : ફરિયાદ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૮
જૂનાગઢના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર દ્વારા ઈડરની કન્સ્ટ્રક્શન પેઢીને ગેટ બનાવવા માટેનું કામ આપવામાં આવ્યું હતું તે પેટે કંપનીના માલિકે એડવાન્સ ૧.પ૧ કરોડ લઈ લીધા હતા. બાદમાં અલગ-અલગ બહાના કરી કામ પુરૂ કર્યું ન હતું અને આખરે કામ કરવા ચોખ્ખી ના પાડી દીધી હતી. આ અંગે સ્વામિનારાયણ મંદિરના સાધુએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈડરની પેઢીના માલિક સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગત અનુસાર શહેરના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના મેઈન ગેટ તેમજ અંદરના અન્ય ભાગોના નવીનિકરણનું કામ ર૦ર૧થી ચાલી રહ્યું છે. ર૦ર૧માં મંદિરનો ગેટ બનાવવાનું કામ ઈડરની માંગલ્ય ટેમ્પલ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન નામની પેઢીના માલિક નંદીશ સોમપુરાને આપવામાં આવ્યું હતું. ગેટની માપસાઈઝ આપી જાેધપુરી પથ્થરનો ગેટ બનાવવા નક્કી કરવામાં આવ્યું હતું. જેના કામ માટે સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટમાંથી ૩૦-૧૦-ર૦ર૧થી ર૦રપ સુધીમાં નંદીશ સોમપુરાને કુલ ૧.પ૧ કરોડથી વધુની રકમ એડવાન્સ આપવામાં આવી હતી તેમ છતાં નંદીશ સોમપુરાએ કામ પૂર્ણ કર્યું ન હતું. સ્વામિનારાયણ મંદિરના સંતોએ આ કામ પૂર્ણ કરવા માટે કહેતા નંદીશ સોમપુરાએ મશીન લેવા તેમજ અન્ય બહાનાઓ કર્યા હતા. તેણે જે મુજબ એડવાન્સ રકમ માંગી હતી તે પ્રમાણે મંદિર તરફથી આપી દેવામાં આવી હતી. એકાદ માસ પહેલા મંદિરના સંતે કામ પુરૂ કરી આપવા કહેતા નંદીશ સોમપુરાએ કામ પુરૂ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને પૈસા પરત આપવા પણ નનૈયો કર્યો હતો. આખરે આજે સ્વામિનારાયણ મંદિરમાં સેવાપૂજા કરતા સ્વામિ ધર્મકિશોરદાસજી ગુરૂ કૃષ્ણજીવનદાસજીએ ઈડરની માંગલ્ય ટેમ્પલ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન પેઢીના નંદીશ મનહર સોમપુરા સામે ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


