જૂનાગઢમાં અખાદ્ય ચીજાેનાં બેફામ વેચાણ સામે મનપાનું ફુડ વિભાગ કેમ કોઈ પગલા લેતુ નથી !
શહેરમાં ઠેક ઠેકાણે બેરોકટોક રીતે થતી ચીજવસ્તુઓના વેચાણની વ્યાપક ફરીયાદ
જૂનાગઢ તા. 28
જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક સમય થયા નકલી ચીજવસ્તુઓ, ભેળસેળવાળા તેમજ અખાદ્ય પદાર્થોનું ધુમ વેચાણ કરવામાં આવી રહયું હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. જેની સામે ફુડ વિભાગની ઢીલી નીતિ અને આળસને કારણે ભેળસેળ કરનારા તત્વોને જાણે મોકળુ મેદાન મળી ગયું હોય તેવો ઘાટ સર્જાયો હોવાની વ્યાપક ફરીયાદોને પગલે મોડે મોડે પણ જૂનાગઢ મનપાની ફુડ શાખાએ ચેકીંગનું નાટક કરી અને ગોલા, આઈસ્ક્રીમ, કેરીના રસ અને રેસ્ટોરન્ટ સહીત 44 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. અને ગોલા અને અખાદ્ય ચીજાેનું વેંચાણ ઝડપાયું હોવાનું દાવો કરવામાં આવી રહયો છે. પરંતુ મનપાની ફુડ શાખાએ આ અંગેની કોઈ વિગતો કે કયા સ્થળે ચેકીંગ થયુ છે તે અંગેની માહિતી જારી ન કરતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
દરમ્યાન આજે શહેરમાં મળતી જીવન જરૂરીયાતની મોટાભાગની રોજીંદા વપરાશમાં આવતી વસ્તુઓ જેવી કે ચટણી, હળદર, સીંગતેલ, પામોલીન તેલ, કપાસીયા તેલ, ઘઉંનો લોટ, બાજરાનો લોટ, ચણાનો લોટ સહીતની સંખ્યાબંધ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહયું હોવાની આશંકા વચ્ચે વેચાતા અખાદ્ય પદાર્થોને લઈને લોકોનાં આરોગ્ય માટે ખતરારૂપ બની રહયા છે.
ઉનાળાની અસહ્ય ગરમીનાં સમયમાં પ્રભાવિત જનજીવન ઠંડક માટે અને ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા સહીતની આઈટમોની માંગમાં જબ્બર ઉછાળો રહયો છે પરંતુ આજે બજારમાં મળતા ઠંડાપીણા, કેરીનો રસ, ગોલા, આઈસ્ક્રીમ, ગુલ્ફી, પનીર, દુધ સહીતની વસ્તુઓમાં ભેળસેળની આશંકા વચ્ચે આવા પદાર્થોનું બેફામ વેચાણ થઈ રહયું હોવાની અનેક ફરીયાદો રહેલી છે. થોડા સમય પહેલા જ જૂનાગઢ શહેરમાં બહારથી આવી રહેલ દુધનું ટેન્કર પકડાયું હતું અને આ દુધ ભેળસેળવાળું હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી, જૂનાગઢ જિલ્લામાંથી જ નકલી દુધ ઝડપાયું હતું જેની સામે તીવ્ર આક્રોશ વ્યકત થયો હતો. ખોરાકમાં ખાસ કરીને દુધને પૌષ્ટીક આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે જાે દુધમાં જ ભેળસેળ થતી હોય તો અન્ય ચીજવસ્તુઓમાં પણ ભેળસેળ થતી રહેતી હોવાની ચર્ચા અને ફરીયાદો રહેલી છે. દુધ અને દુધની બનાવટોમાં ભેળસેળ થતી હોવાનાં બનાવો બન્યા છે જ અને હજુ પણ ભેળસેળનું તત્વ સતત વ્યાપક બની રહયું છે અને ફેલાતું રહયું છે. ઉનાળાની આકરી ગરમીમાં બજારમાં કેરીનો રસ, શીખંડ, દુધની વિવિધ બનાવટો, પેપ્સી, ગોલા, રસ અને વિવિધ ફલેવરમાં ઠંડાપીણામાં પણ ભેળસેળ થતી હોવાની આશંકા છે. ખાદ્ય પદાર્થોમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ અને અખાદ્ય કલર અને કેમિકલ વપરાતા હોવાની ફરીયાદો ઉઠતી રહી છે. બજારમાં વેચાણી હલકી ગુણવત્તા વાળી ચીજવસ્તુઓ અને અખાદ્ય પદાર્થોને કારણે ઝાડા-ઉલ્ટીનાં કેસોમાં વધારો નોંધાઈ રહયો છે. પનીરની ચીજાેનું વેચાણ થતંુ હોય તેવા રેસ્ટોરન્ટ અને લારીઓમાં પનીરની ગુણવત્તા અંગેના બોર્ડ લગાવવું ફરજીયાત છે. પરંતુ જૂનાગઢ જિલ્લામાં હોટલ, રેસ્ટોરન્ટ તથા લારી ધારકોએ પનીરની ગુણવત્તા અંગે બોર્ડ લગાવવાની દરકાર લીધી નથી. આવા સંજાેગોમાં જૂનાગઢ શહેર તથા જિલ્લામાં બેફામ પણે હલકી ગુણવત્તા વાળા પદાર્થોનું બેફામ વેચાણ થઈ રહયું હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. લોકોનાં આરોગ્યને નુકશાન કર્તા અખાદ્ય પદાર્થોનું વેચાણ થતું અટકાવવાની ફુડ વિભાગની ફરજ છે. તેમજ ભેળસેળ કરનારાઓ સામે કડક પગલા ભરવાની માંગણી ઉઠવા પામી છે. બીજીતરફ ફુડ વિભાગ આ બાબતે જાગૃત બની માત્ર તપાસના નાટક નહી પરંતુ કડક કાર્યવાહી કરે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.


