જૂનાગઢ હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં રહેતી એક નાની બાળકી પર માતાએ ક્રૂર અત્યાચાર આચર્યો : ફિટકારની લાગણી
બાળકી પર અગરબત્તીથી ડામ અને વાયરથી માર માર્યાના ગંભીર આક્ષેપો : સોસાયટીના રહેવાસીઓએ પોલીસ-૧૦૮ને જાણ કરી, સી ડિવિઝન પોલીસ તથા શિશુમંગલની ટીમે તપાસ કરી
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૮
જૂનાગઢમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં રહેતી એક નાની બાળકીને તેની માતા દ્વારા ક્રૂર વર્તન કરી અને શરીરના વિવિધ ભાગો પર વાયર વડે માર મારવા તેમજ ડામ આપવામાં આવ્યો હોવાનો બનાવ બહાર આવતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સગી જનેતાએ આચરેલા આ અત્યાચારને લઈને ફિટકારની લાગણી વરસી છે અને તત્કાલ માતા સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે. આ બનાવ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં નાની બાળકી સાથે તેની સગી માતા દ્વારા અત્યંત ક્રૂર વર્તન કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપોથી ચકચાર મચી છે.
આક્ષેપ મુજબ બાળકીના મોઢામાં અગરબત્તીથી ડામ આપવામાં આવ્યા હતા તેમજ વાયર વડે શરીરના વિવિધ ભાગે માર મારી ડામ આપવામાં આવ્યા હોવાનું બહાર આવેલ છે. ઘટનાની જાણ થતાં સોસાયટીના જાગૃત રહેવાસીઓએ માનવતાના નાતે તાત્કાલિક પોલીસ તથા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યારે બાળકીની સુરક્ષા અને જરૂરી કાર્યવાહી માટે શિશુમંગલની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. બાળકી સાથે થયેલા કથિત અત્યાચારની આ ઘટના અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક છે. ‘માતા’ના પવિત્ર સંબંધના નામે જો આવું કૃત્ય થયું હોવાનું તપાસમાં સાબિત થાય, તો તે માનવતાને શરમાવે તેવું કૃત્ય ગણાશે. બાળકી માટે રક્ષણ આપવાનાં બદલે તેના પર ક્રૂરતા આચરવાના આક્ષેપોએ લોકોમાં ભારે રોષ જગાવ્યો છે. આ મામલે માત્ર સ્થાનિક પોલીસની કાર્યવાહી પૂરતી ન રાખી ગાંધીનગરથી લઈને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ, ડીજીપીથી લઈને એસપી સુધીના પોલીસ અધિકારીઓ તથા બાળ સુરક્ષા તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી, આઈજી, એસપી, જિલ્લા કલેક્ટર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ કલ્યાણ સમિતિ, બાળ અધિકાર આયોગ, સાંસદ, ધારાસભ્ય તથા સ્થાનિક કોર્પોરેટર સુધી સમગ્ર મામલે રજૂઆત કરી બાળકીની સુરક્ષા, તબીબી સારવાર અને કાયદેસરની કાર્યવાહી સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે. બાળકીના શરીર પર થયેલી દરેક ઈજાની તબીબી તપાસ, ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર સામે કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ છે.


