દોલતપરામાં અશાંત ધારા લાગુ કરવાની માંગને લઈને રહીશોનું શક્તિપ્રદર્શન, કલેક્ટરે મળવાની ના પડતા જિલ્લા પોલીસ વડાને કરાઈ રજૂઆત
જૂનાગઢ તા.10
જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલી વિવિધ રહેણાંક સોસાયટીઓના રહીશોએ આજે અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. દાસારામ સોસાયટી, મહેશ્વરી સોસાયટી, નૂતનનગર તેમજ અરવિંદપરા સહિતના વિસ્તારોમાંથી મહિલાઓ, વડીલો અને યુવાનો સહિત અંદાજે 300થી 400 જેટલા લોકો આ રજૂઆતમાં જોડાયા હતા.
રહીશોએ જણાવ્યું હતું કે દોલતપરા વિસ્તારની આ સોસાયટીઓમાં વર્ષોથી હિન્દુ પરિવારો વસવાટ કરે છે અને તમામ ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવે છે. તેમના મત મુજબ, વિસ્તારની વર્તમાન સામાજિક સ્થિતિ અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના સાંપ્રદાયિક વિવાદને અટકાવવા માટે અશાંત ધારો લાગુ કરવો જરૂરી છે. તેઓનું કહેવું છે કે આ અંગે અગાઉ પણ વહીવટી તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આંદોલનના આગેવાન ભીખાભાઈ પીઠિયાએ જણાવ્યું હતું કે સવારે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ કલાકો સુધી રાહ જોવા છતાં કલેક્ટર દ્વારા તમામ અરજદારોને મળવામાં આવ્યા નહોતા. માત્ર થોડા પ્રતિનિધિઓને અંદર બોલાવવાની વાત કરવામાં આવી હતી, જેને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા માટે પણ જો કલાકો સુધી રાહ જોવડાવવામાં આવે તો તે લોકોની લાગણીની અવગણના સમાન છે.
રહીશોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે રજૂઆત દરમિયાન મીડિયા પ્રતિનિધિઓને પણ કચેરીની અંદર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહોતી. તેમના જણાવ્યા મુજબ, જનતાની રજૂઆત અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહેવી જોઈએ, પરંતુ મીડિયા પર પ્રતિબંધ મૂકવાથી અનેક સવાલો ઉભા થાય છે.
આંદોલનકારીઓએ સ્થાનિક વહીવટી તંત્ર ઉપરાંત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું કે ચૂંટણી દરમિયાન લોકોના દરવાજે પહોંચતા નેતાઓ આજે લોકોની સમસ્યાઓ સામે મૌન ધારણ કરીને બેઠા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં માત્ર બેઠકો અને ચર્ચાઓના આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ કોઈ નક્કર નિર્ણય લેવામાં આવતો નથી.
કલાકો સુધી રાહ જોયા બાદ પણ કલેક્ટર સાથે મુલાકાત શક્ય ન બનતાં આખરે તમામ રહીશોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સોંપ્યું હતું. આ આવેદનમાં વિસ્તારની શાંતિ અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અશાંત ધારો લાગુ કરવા જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ભીખાભાઈ પીઠિયાએ જણાવ્યું હતું કે જો આગામી સમયમાં સરકાર અને વહીવટી તંત્ર તરફથી કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારના રહીશો કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ભૂખ હડતાલ શરૂ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે જરૂર પડશે તો આ મુદ્દો રાજ્ય સરકાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સુધી પણ પહોંચાડવામાં આવશે.
રહીશોએ જણાવ્યું કે તેમની માંગ કોઈ વ્યક્તિ કે સમાજના વિરોધમાં નહીં પરંતુ વિસ્તારની શાંતિ, કાયદો-વ્યવસ્થા અને ભવિષ્યમાં કોઈ અણધારી પરિસ્થિતિ સર્જાય નહીં તે હેતુથી કરવામાં આવી રહી છે. હવે વહીવટી તંત્ર આ રજૂઆતને કેટલું ગંભીરતાથી લે છે અને આગળ શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.



