નંદ ઘેર આનંદ ભયો.... જય.. કનૈયા લાલકીનાં જયઘોષ સાથે જૂનાગઢમાં આવતીકાલે ‘કૃષ્ણ જન્મ’નાં વધામણા - ભવ્ય શોભાયાત્રા નીકળશે

શ્રીકૃષ્ણ લીલાની ઝાંખી, દ્વારકાધીશ મંદિર, ભગવાનનું વિરાટ સ્વરૂપ સહીતના ૪૦ થી વધુ ફલોટ્સ જાેડાશે : તડામાર તૈયારી

નંદ ઘેર આનંદ ભયો.... જય.. કનૈયા લાલકીનાં જયઘોષ સાથે જૂનાગઢમાં આવતીકાલે ‘કૃષ્ણ જન્મ’નાં વધામણા - ભવ્ય શોભાયાત્રા નીકળશે

જૂનાગઢ તા. ૩
જૂનાગઢ શહેરમાં પુર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મોત્સવને ભાવભેર અને ઉત્સાહભેર મનાવવા માટેની તૈયારી જાેરશોરથી  ચાલી રહી છે. જન્માષ્ટમી પર્વ ઉત્સાહ પુર્વક અને ધામધુમથી સર્વત્ર ઉજવવામાં આવશે. જન્માષ્ટમી પર્વને લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વ પ્રસંગે  ભવ્ય શોભાયાત્રાનું  આયોજન  કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં આકર્ષક ફલોટ  જાેડાશે અને શહેરનાં રાજમાર્ગો પરથી શોભાયાત્રા ફરશે. શોભાયાત્રા માટેની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.
જૂનાગઢ શહેરમાં છેલ્લા ૪૦ વર્ષથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરતા હરીઓમ ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની  જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ૮૧મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિસ્તારોમાંથી ભગવાન શ્રીકૃષ્ણનાં જીવનલીલાની ઝાંખી તથા વિવિધ વિષયો દર્શાવતા ૪૦થી વધુ ફલોટ જાેડાશે. આવતીકાલ તા.૪-૯-ર૬ શુક્રવારે  બપોરે દેવવાડીથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. મોટી હવેલીનાં બાવાશ્રી પિયુષબાવા તેમજ સંતો તથા અગ્રણીની ઉપસ્થિતીમાં ચાંદીની પાલખીમાં કનૈયાને બિરાજીત કરાશે.  કાળા અને ભગવા રંગની થીમ મુજબ સમગ્ર મહોત્સવ ઉજવાશે. શોભાયાત્રામાં દ્વારકાધીશ મંદિર અને દ્વારકાધીશનાં દર્શન થશે. સમુદ્ર મંથન, સુદામા કૃષ્ણ મુલાકાત પ્રસંગ, ભગવાન કૃષ્ણનું વિરાટ સ્વરૂપ, જાંબુવન યુધ્ધ સહીતના પ્રસંગો જીવંત પાત્રો રજુ કરાશે. આ ઉપરાંત સમગ્ર રૂટ ઉપર આઠ વિશાળ ગેઈટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માર્ગો ઉપર ઢોલ, ત્રાસા સાથે ફયુઝન યુનીટ બેન્ડ જાેડાશે. વિશેષમાં ઉજજૈનનાં અઘોરીઓ પોતાના કરતબ દર્શાવશે. શોભાયાત્રા પુર્વે કાનાને સોનાનો મુગટ અર્પણ કરાશે.  ત્યારબાદ ચાંદીની પાલખીમાં બાળ કાનાને બિરાજીત કરાશે. જેને ભાવિકો દર્શન કરી ઝુલાવશે. શહેરનાં વિવિધ માર્ગો ઉપર ફરી આ શોભાયાત્રા કાળવા ચોકમાં સંપન્ન થશે. પુર્ણાહુતી સમયે ભુતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુના હસ્તે મહાઆરતી થશે. શોભાયાત્રાની પૂર્વ સંધ્યાએ આજે શહેરનાં આઝાદ ચોક, કાળવા ચોક સુધી મહાકાલ, આદીયોગી, રાધાકૃષ્ણ, સુદર્શન ચક્ર, ઝુલતા હીચકા અને વૃક્ષ ઉપર બિરાજીત ભગવાન કૃષ્ણની મુર્તિઓ રખાશે. સેલ્ફી પોઈન્ટ ઉપરાંત શોભાયાત્રા સમયે ત્રણ સ્થળોએ  મટકી ફોડ તથા લાઈવ ભજીયા પ્રસાદનું આયોજન  કરવામાં આવ્યું છે. વૈદિક અને ઔષધીય જડીબુટી મિશ્રીત ધુપ તૈયાર કરવામાં આવ્યો છે. જેને સમગ્ર  રૂટ પર પ્રગટાવી માર્ગો પર અનોખી સુગંધ પ્રસરાવાશે.  જૂનાગઢ શહેરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
જૂનાગઢ શહેરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થશે. ઉપરાંત જિલ્લાનાં વિવિધ ગામો અને શહેરોમાં પણ જન્માષ્ટમી પર્વ પ્રસંગે ઠેર-ઠેર શોભાયાત્રા સહીતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં જન્માષ્ટમી પર્વ પ્રસંગે લોક મેળાના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે.  જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. લોકોમાં જન્માષ્ટમી પર્વને ઉજવવા માટે ઉત્સાહ પ્રવર્તી રહયો છે.

જૂનાગઢમાં આવેલા દેવ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે
મધ્યરાત્રીનાં ૧ર વાગ્યે શંખ, ઝાલરના નાદ સાથે જન્માષ્ટમીની ઉજવણી થશે : દર્શને આવેલા ભાવિકોને પંજરીનો પ્રસાદ અપાશે
જૂનાગઢ તા. ૩
ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મોત્સવને વધાવવા માટે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ભારે ઉત્સાહ સાથે લોકોમાં અનેરો થનગનાટ જાેવા મળે છે.
 ગામે ગામ અને શહેરોમાં શોભાયાત્રા સહીતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જયારે  દેવ મંદિરોમાં પણ ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મોત્સવને ભાવપુર્વક ઉજવવામાં આવશે.
જૂનાગઢ શહેરમાં આવેલા દેવ મંદિરો, શિવાલયોમાં શ્રાવણ માસ દરમ્યાન મંદિરોમાં અનેરી રોશની કરવામાં આવી છે. ઉપરાંત વિશેષ શણગાર અને પૂજનવિધીનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. આવતીકાલે શ્રાવણ વદ-૮ જન્માષ્ટમીનાં પર્વની પણ ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવશે. દેવ મંદિરો અને શિવાલયોમાં આવતીકાલે જન્માષ્ટમી પર્વ પ્રસંગે મધ્યરાત્રીએ ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મોત્સવને મનાવવામાં આવશે. શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપે પારણે ઝુલાવવામાં આવશે.
ઝાલર અને શંખ તેમજ દુંદુભીના નાદ સાથે મહાઆરતી યોજાશે અને દર્શને આવેલા ભાવિકો, શ્રધ્ધાળુઓને પંજરીનો પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ સાથે જ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાશે.