ભારત હવે પેટ્રોલમાં 100 ટકા ઈથેનોલ મિશ્રણ તરફ આગળ વધશે : ગડકરીનું મોટું નિવેદન
(એજન્સી) નવી દિલ્હી,તા.22:
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલમાં ઈથોનોલનું મિશ્રણ વધારવા અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ અને ક્રૂડ ઓઈલના પુરવઠામાં આવેલી નબળાઈને જોતા ભારતે હવે 100 ટકા ઈથેનોલ મિશ્રણ તરફ આગળ વધવું જોઈએ. ઈન્ડિયન ફેડરેશન ઓફ ગ્રીન એનર્જીના કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, 'પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે આપણે ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છીએ. અત્યારે આપણે આપણી જરૂરિયાતનું 87 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરીએ છીએ, જેની પાછળ અંદાજે ૨૨ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ આયાત પરની ર્નિભરતા ઘટાડવી જરૂરી છે. ઈથેનોલ જેવા વૈકલ્પિક ઈંધણ અને બાયો-ફયુઅલના ઉત્પાદનને વધારવાની તાતી જરૂરિયાત છે.' ગડકરીએ સ્પષ્ટ કહ્યું કે, 100% મિશ્રણ એટલે કે E100 ઈંધણ પર વાહનો ચલાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ.


