યુક્રેનમાં કાર્ગો જહાજ પર મિસાઈલ હુમલો, 4 ભારતીયોના મોત

ઓડેસાથી નીકળેલા જહાજને નિશાન બનાવાયું, ભારતે હુમલાની કરી કડક નિંદા

યુક્રેનમાં કાર્ગો જહાજ પર મિસાઈલ હુમલો, 4 ભારતીયોના મોત

કિવ તા.21
યુક્રેનમાં વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. ઓડેસા પોર્ટથી મકાઈ લઈને રવાના થયેલા કાર્ગો જહાજ MV Golden Leo પર થયેલા મિસાઈલ હુમલામાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા છે, જ્યારે એક ભારતીય ગંભીર રીતે ઘાયલ થયો છે.
ભારત સરકારે ઘટનાની પુષ્ટિ કરીને વેપારી જહાજો અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાને અત્યંત નિંદનીય ગણાવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય દૂતાવાસ યુક્રેનિયન સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે અને અસરગ્રસ્ત ભારતીયોને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
યુક્રેનના દાવા અનુસાર, ઓડેસાથી રવાના થયેલા જહાજ પર ત્રણ રશિયન ક્રુઝ મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને સમુદ્રમાં ગાઢ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
જહાજ પર કુલ 17 ક્રૂ મેમ્બર હતા, જેમાં પાંચ ભારતીયો સામેલ હતા. સમગ્ર રાત ચાલેલા સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન આઠ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, જ્યારે કુલ દસ લોકોના મોત થયાની માહિતી સામે આવી છે.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બ્લેક સી વિસ્તારમાં વેપારી જહાજો પર વધતા હુમલાઓએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર અને અનાજની નિકાસ પર ફરી ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ભારતે પણ આવા હુમલાઓ તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે મૃતકોના પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.