યુવાનો નશાથી દૂર રહી પોતાની ઊર્જા, સમય અને ક્ષમતાનો ઉપયોગ કરી શિક્ષણ, રમતગમત, કૌશલ્ય વિકાસ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપે : કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા
“નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત”નો સંકલ્પ સાકાર કરવા કેન્દ્રીય મંત્રીએ યુવાનો સાથે સંવાદ સાધ્યો
રાજકોટ તા.૧૮
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત બી.આર.એસ. કોલેજ, ડુમિયાણી ખાતે “નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત” વિષય અંતર્ગત ‘યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો હતો. યુવાનો સાથે સંવાદ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આવનારો સમય બુનિયાદી શિક્ષણનો હશે. શિક્ષણથી જ સંસ્કારનું ઘડતર થાય છે અને સંસ્કારોથી જ વ્યક્તિમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે છે. યુવાનો માત્ર ડિગ્રી મેળવવા પૂરતું શિક્ષણ ન લે, પરંતુ શિક્ષણ સાથે જીવનમૂલ્યોને આત્મસાત કરે તે અત્યંત જરૂરી છે. તેમણે યુવાનોને નશાથી દૂર રહી પોતાની ઊર્જા, સમય અને ક્ષમતાનો ઉપયોગ શિક્ષણ, રમતગમત, કૌશલ્ય વિકાસ અને રાષ્ટ્રનિર્માણમાં સહયોગ આપવાની વાત પર ભાર મૂક્યો હતો.
મંત્રીએ સ્વચ્છતા, સ્વાવલંબન અને ‘રાષ્ટ્ર પ્રથમ‘ની ભાવના સાથે શ્રમ પ્રત્યે ગૌરવ કેળવવા યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોના મંત્રીએ પ્રેરણાદાયી જવાબો આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માતૃશ્રી વી.બી.એમ. ઉત્તર બુનિયાદી વિદ્યાલયના અંડર-૧૯ જિલ્લા કક્ષાના ચેમ્પિયન રમતવીરો તથા રાજ્ય કક્ષાએ પસંદગી પામેલી ૪ વિર્દ્યાથિનીઓનું કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા દ્વારા સંસ્થાના આદ્ય સ્થાપક, પૂર્વ સાંસદ અને પૂર્વ શિક્ષણમંત્રી સ્વ. બળવંતરાય મણવરના સ્મરણાર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીએ રમતગમત મેદાનનું નિરીક્ષણ કરી સ્વ. મણવરના પરિજનો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.


