ATSની તપાસમાં નવા ખુલાસાની આશંકા, સિદ્ધપુરમાં આતંકી મોડ્યુલ પર ફરી કાર્યવાહી
ઝડપાયેલા આરોપીને સાથે રાખી ઘર અને બ્લાસ્ટ ટેસ્ટિંગ સ્થળનું રિકન્સ્ટ્રક્શન; વિસ્ફોટક સામગ્રીના સ્ત્રોત અને નેટવર્કની તપાસ તેજ
પાટણ તા.20
સિદ્ધપુરમાં આતંકી મોડ્યુલ કેસની તપાસમાં ગુજરાત ATSએ ફરી એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આરોપી મોહમ્મદ ઐયુબ કડીવાલને સાથે રાખીને તેના નિવાસસ્થાને અને અગાઉ વિસ્ફોટક પરીક્ષણ કરાયેલા સ્થળોએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન ATSએ આરોપીના ઘરની અગાશીનું વિશેષ નિરીક્ષણ કર્યું, જ્યાં પ્રાથમિક તપાસ મુજબ વિસ્ફોટક પાવડર તૈયાર કરવામાં આવતું હોવાની શંકા છે. ત્યારબાદ ટીમ ખડિયાસણ નજીક ઉમરદશી નદીના પટમાં પહોંચી, જ્યાં આરોપીઓએ બોમ્બના પરીક્ષણો કર્યા હોવાની માહિતીના આધારે સ્થળનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું.
તપાસ એજન્સીઓ હવે વિસ્ફોટક સામગ્રી ક્યાંથી મેળવવામાં આવતી હતી, તેમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા હતા અને સમગ્ર નેટવર્ક કેટલું વિસ્તરેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ કેસમાં ગુજરાત ATS અત્યાર સુધી કુલ 13 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ વિસ્ફોટના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને કેટલાક યુવાનોને કટ્ટરપંથી વિચારધારા તરફ આકર્ષવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલે તપાસ હજુ ચાલુ છે અને ATS આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસા કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


