ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ-ર.૦ : મુખ્યમંત્રી સહિત ર૬ પ્રધાનો : હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી : ૬ કેબીનેટ મંત્રી : ૧૯ રાજયકક્ષાના મંત્રી
નવા મંત્રીમંડળમાં ૬ મંત્રીઓને રીપીટ કરાયા-૧૦ને પડતા મુકાયા-૧૯ નવા ચહેરાને સ્થાન અપાયું
(બ્યુરો) ગાંધીનગર તા.૧૭
દિપોત્સવીના તહેવારોની સાથે જ ગુજરાતને નવું મંત્રીમંડળ મળી ગયું છે. આવતીકાલે ધનતેરસ પૂર્વે જ આજે ગુજરાતના નવા મંત્રીમંડળની ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે શપથવિધી યોજાઈ છે. જેમાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તાના શપથ લેવડાવ્યા હતા. જેમાં સૌ પ્રથમ હર્ષ સંઘવીની શપથવિધી યોજાઈ હતી, હર્ષ સંઘવીને પ્રમોશન આપીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ અનુક્રમે જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, ડો.પ્રદ્યુમન વાજા, રમણભાઈ સોલંકી ની કેબીનેટ મંત્રી પદે શપથવિધી યોજાઈ હતી.
આમ નવા મંત્રીમંડળમાં ૬ કેબીનેટ મંત્રીની શપથવિધી થઈ હતી. ત્યારબાદ રાજયકક્ષાના મંત્રીઓની શપથવિધી યોજાઈ હતી. જેમાં ઈશ્વર પટેલ, પ્રફુલ પાનસેરીયા તથા મનીષા વકીલની રાજયકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથવિધી થઈ હતી. ત્યારબાદ કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવીણ માળી, ડો.જયરામ ગામીત, ત્રીકમ છાંગા, સંજય મહીડા, કમલેશ પટેલ, પુનમચંદ બરંડા, રીવાબા જાડેજા, સ્વરૂપજી ઠાકોરની રાજયકક્ષાના મંત્રી પદે શપથવિધી થઈ હતી. જયારે રિપીટ મંત્રીઓમાં હર્ષ સંઘવીની જ નાયબ મુખ્યમંત્રી પદે શપથવિધી થઈ હતી. જયારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત રીપીટ કરાયેલા પાંચ મંત્રીઓ યથાવત રહ્યા છે.
ભુપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળમાં ૬ મંત્રીઓને રીપીટ કરાયા છે. જેમાં હર્ષ સંઘવી, કનુ દેસાઈ, ઋષીકેષ પટેલ, કુંવરજી બાવળીયા, પ્રફુલ પાનસેરીયા અને પરસોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે. જયારે ગત મંત્રીમંડળના ૧૦ પ્રધાનોને પડતા મુકાયા છે. જેમાં બળવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા, મુળુ બેરા, કુબેર ડીંડોર, જગદીશ વિશ્વકર્મા, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ અને કુંવરજી હળપતીનો સમાવેશ થાય છે. જ્યારે ૧૯ નવા ચહેરાને સ્થાન મળ્યું છે જેમાં અર્જુન મોઢવાડીયા, રીવાબા જાડેજા, ઈશ્વરસિંહ પટેલ, જીતુ વાઘાણી, નરેશ પટેલ, પી.સી. બરંડા, કાંતિ અમૃતિયા, કૌશિક વેકરીયા, રમેશ કટારા, જયરામ ગામિત, દર્શના વાઘેલા, પ્રદ્યુમન વાઝા, મનીષા વકીલ, પ્રવીણ માળી, સંજયસિંહ મહીડા, કમલેશ પટેલ ત્રિકમ છાંગા સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ થાય છે. આમ નવા મંત્રીમંડળની રચના સાથે હવે ભુપેન્દ્રપટેલ-ર.૦ સરકારમાં આગામી નવું વર્ષ નવા ઉત્સાહ, નવા જાેમ સાથે કાર્ય કરવાની સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે ૧૯ નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે તેમના સમર્થકોમાં જબરદસ્ત ઉત્સાહ જાેવા મળ્યો હતો. એક તરફ, બિહાર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ થયો છે તો બીજી તરફ, રાહુલ ગાંધીનું વોટ ચોરી આંદોલન વેગ પકડી રહ્યુ છે. આ તમામ મુદ્દાઓ વચ્ચે ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મંત્રીમંડળને નવો ઓપ અપાયો છે. મિશન ૨૦૨૭ને ધ્યાનમાં રાખીને ભાજપ હાઇકમાન્ડે ગુજરાત મંત્રીમંડળની નવી ટીમ તૈયાર કરી છે.


