જૂનાગઢનાં ઓઘડનગરમાં રસ્તાના પ્રશ્ને રહેવાસીઓને ભારે હાલાકી : ઘરે પહોંચવું કેમ ?

ચાર મહીના પહેલા રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ હજુ સુધી પૂર્ણ થઈ નથી : કોન્ટ્રાકટર દ્વારા માટીનું વેંચાણ કરવા માટે રસ્તો ઉંડો ખોદી કાઢતા વિજ પોલ ધરાશયી થવાના બનાવો : કોઈ ગંભીર ઘટના બને તો જવાબદારી કોની ?

જૂનાગઢનાં ઓઘડનગરમાં રસ્તાના પ્રશ્ને રહેવાસીઓને ભારે હાલાકી : ઘરે પહોંચવું કેમ ?

જૂનાગઢ તા. 3
જૂનાગઢ શહેરનાં ઓઘડનગરમાં છેલ્લા ચાર મહીનાથી રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ હજુ પણ કામગીરી પૂર્ણ ન થવાના કારણે અધુરા રહેલા રસ્તાનાં કામોને લઈને આ વિસ્તારનાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. વહેલી તકે રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી વ્યકત કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા બે દિવસ થયા અતિ ભારે વરસાદને પગલે દરેક વિસ્તારોની હાલત ખુબ જ ખરાબ બની છે. રસ્તાઓના ખાડાઓ તેમજ અધુરા રસ્તાનાં કામોને કારણે જૂનાગઢ શહેરમાં અનેક વિસ્તારોમાં ખાડામાં પડી જવાનાં બનાવો પણ બન્યા છે. તેમજ વાહનો ફસાવવાનાં બનાવો બન્યા છે. ત્યારે ઓધડનગર વિસ્તારની હાલત તો ખુબ જ ખરાબ છે. ઓધડનગરમાં રસ્તાનાં લેવલ કરતા વધુ ઉંડો ખાડો ખોદી નાખવાનાં કારણે ગઈકાલે પાંચથી છ જગ્યાએ વિજ પોલ ધરાશયી થવાના બનાવો બન્યા હતાં અને જેને લઈને આ વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાતા કલાકો સુધી લોકોને અંધારપટનો સામનો કરવો પડયો હતો.
જાે કે વિજ પોલ ધરાશયી થવાના બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આવી ગંભીર પરિસ્થિતિમાં કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની ? તેવો સવાલ સ્થાનિકોએ ઉઠાવ્યો છે. દરમ્યાન ઓઘડનગરનાં રહેવાસીઓની વેદનાને વાચા આપતા અરજણભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે ઓઘડનગર વિસ્તારમાં રસ્તાની કામગીરી આજથી ચાર મહીના પહેલા શરૂ કરવામાં આવી હતી. મનપાનાં તત્કાલીન કમિશ્નર તેજસ પરમારે જણાવ્યું હતું કે દોઢ માસમાં જ રસ્તાનું કામ પુરૂ કરવામાં આવશે. પરંતુ આજ દિવસ સુધી ઓધડનગરમાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. જેને કારણે આ વિસ્તારનાં લોકો ભારે મુસીબતનો સામનો કરી રહયા છે. અરજણભાઈ ઓડેદરાએ વધુમાં જણાવ્યું હતું કે ઓધડનગરનાં રસ્તાના ખોદકામમાં કોન્ટ્રાકટરે રસ્તો વધુ ખોદી નાખી અને માટીનું વેંચાણ કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. દરમ્યાન બે દિવસ થયા વરસાદ ભારે તુટી પડતા આ વિસ્તારમાં વિજ પોલ નીચેની જમીન ખસકતા વિજ પોલ ધરાશયી થવાના બનાવો બન્યા છે. આવા બનાવો કોઈ ગંભીર દુર્ઘટના સર્જે તેવો ભય વ્યકત કર્યો છે. અને કોઈ જાનહાની થાય તો તેની જવાબદારી કોની ? તેવો સવાલ ઉઠાવ્યો છે. ચોમાસાનાં આ દિવસોમાં વરસાદ ગમે ત્યારે આવી શકે છે ત્યારે ઓઘડનગર વિસ્તારના આ રસ્તા અંગે વહેલી તકે કામગીરી પૂર્ણ કરી લેવાની માંગણી કરવામાં આવી રહી છે. અમોને ઘરે કયા રસ્તેથી જવું તે પણ મોટો સવાલ આજે ઉઠવા પામ્યો છે તેમ જણાવી અરજણભાઈ ઓડેદરાએ મનપા તંત્ર દ્વારા રસ્તા અંગેની યોગ્ય કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવું અંતમાં જણાવ્યું હતું.