જૂનાગઢ મનપાની ડમ્પીંગ સાઈટ પર આગ લાગવાના શંકાસ્પદ બનાવો : તપાસની માંગણી
જયારે પણ કચરાના નિકાલ માટેના ટેન્ડર બહાર પાડવાના હોય ત્યારે જ આગ લાગવાનું કારણ શું ? આગ પાછળ પૂર્વ આયોજીત કાવતરાનો વિપક્ષનો આક્ષેપ
જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢ મનપાની ઈવનગર ખાતે આવેલી ડમ્પીંગ સાઈટ ખાતે ગઈકાલે ફરીવાર આગ લાગી હતી અને કચરાનો જથ્થો બળીને ખાખ થયો હતો. જાે કે આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો બનાવનાં સ્થળે પહોંચ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જાે કે, મુખ્ય મુદો એ છે કે લેગેસી વેસ્ટની સાઈટ ઉપર જ કેમ અચાનક આગ લાગે છે તેની પાછળ શું એવું રહસ્ય છે કે, વારંવાર આગ લાગે છે. આ અંગે આધારભૂત સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત અનુસાર ઈવનગર સ્થિત ડમ્પીંગ સાઈટ ખાતે કચરાનાં વૈજ્ઞાનિક ઢબે નિકાલનું કામ વગર ટેન્ડરે આપી દેવામાં આવ્યું હતું. પાંચ કરોડથી વધુનું કામ જય વછરાજ એજન્સીને આપી દેવામાં આવ્યું ત્યારે પણ મોટો વિવાદ થયો હતો દરમ્યાન આ એજન્સી દ્વારા મનપામાં રૂા. ૬૦ લાખનું બીલ મુકવામાં આવતા વિરોધ પક્ષે કમિશ્નરને રજુઆત કરી હતી કે, કચરાના નીકાલનું કામ વૈજ્ઞાનીક ઢબે થયું છે કે કેમ? તે માટે ટેન્ડરની શરત મુજબ થર્ડ પાર્ટીનો રીપોર્ટ જરૂરી છે જે લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત એનજીટી - જીપીસીબી, સીપીસીબીની ગાઈડલાઈનનું પાલન પણ કરવામાં આવ્યું નથી. તેમજ લેગેસી વેસ્ટનો પ્રોસેસ વગર ખાનગી જમીનમાં નાખી દેવામાં આવે છે તેવી ફરીયાદ સાથે વિપક્ષ દ્વારા વિવિધ પુરાવા આપી આ બાબતે જરૂરી તપાસની પણ માંગણી કરી છે.
જયારે પણ લેગેસી વેસ્ટનાં નીકાલ માટેનાં નવા ટેન્ડર બહાર પાડવામાં આવે અથવા કરોડોનાં પેમેન્ટની પ્રક્રિયા થતી હોય છે ત્યારે જ ડમ્પીંગ સાઈટ પર ભીષણ આગ ફાટી નીકળે છે તેમજ તંત્ર દર વખતે મિથેન ગેસનાં કારણે આગ લાગી હોવાનું ગાણું ગાઈને હાથ ઉંચા કરી દેવામાં આવે છે. જાે ખરેખર મિથેન ગેસનું જાેખમ દર વર્ષે હોય તો તેને ડ્રેનેજ કરવાની અથવા તેના નિકાલ માટેની વૈજ્ઞાનીક પધ્ધતિઓ મનપા શુંકામ અપનાવતી નથી ? તેવા સવાલ સાથે મિથેન માત્ર એક બહાનું છે મુખ્ય હેતુ તો ભ્રષ્ટાચાર ઉપર પડદો પાડવાનો આક્ષેપ થઈ રહયો છે. વિશેષમાં ડમ્પીંગ સાઈટ પર લાગેલી આગની ન્યાયીક તપાસ કરવામાં આવે તેમજ સાઈટ પરનાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવે જેથી આગ લગાડનારા તત્વો ખુલા પડે ઉપરાંત લેગેસી વેસ્ટનાં કામમાં થયેલા ભ્રષ્ટાચારનું પણ ઓડિટ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.


