દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલથી શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં વિવિધ કાર્યક્રમો
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧ર
ભગવાન ભોળાનાથના મહાપર્વ એવા શ્રાવણ માસનો આવતીકાલે ગુરૂવારથી મંગલ પ્રારંભ થનાર છે. ત્યારે ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિવભક્તો શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવા થનગની રહ્યા છે. અહીંના તમામ નાના-મોટા શિવ મંદિરોમાં ખાસ પૂજન-અર્ચન સહિતના ધામિર્ક આયોજનોને આખરી ઓપ અપાઈ ગયો છે. દેવાધિદેવ મહાદેવને રિઝવવાના તહેવાર સમાન પવિત્ર શ્રાવણ માસનો ગુરૂવાર તા.૧૩ મી થી મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. જેને અનુલક્ષીને ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રાચીન તેમજ પ્રખ્યાત શિવ મંદિરોમાં ભોળાનાથની ભાવભરી રીતે ભક્તિ કરવામાં આવશે. તમામ શિવાલયોમાં દરરોજ ચાર પ્રહરની આરતી તેમજ નાના મોટા શિવ મંદિરો શિવભક્તોની ભીડથી જોવા મળશે. ખંભાળિયામાં આવેલા પુરાણ પ્રસિદ્ધ એવા શ્રી ખામનાથ મહાદેવ, શ્રી રામનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, વિદ્યાશંકર મહાદેવ (મહાદેવ વાડો), સુખનાથ મહાદેવ, જલારામ મંદિર પરિસરમાં આવેલા રામેશ્વર મહાદેવ ઉપરાંત કોટા ગામે નૈસગિર્ક સૌંદર્યતા વચ્ચે બિરાજમાન પ્રાચીન કોટેશ્વર મહાદેવ મંદિર, દાત્રાણા ગામે બિરાજમાન ધીંગેશ્વર મહાદેવ, સહિતના અનેક શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભોળાનાથના ભક્તો દૂધ, જળ, પુષ્પ, બિલ્વ પત્ર, વિગેરે દ્વારા ભોળાનાથની ભક્તિ કરવા ઉમટી પડશે. અહીંના ખામનાથ મહાદેવ મંદિરમાં દર શ્રાવણ માસમાં યોજાતી ઘી ની મહાપૂજાના અલભ્ય દર્શન મજ વિવિધ મંદિરોમાં દીપમાળા સહિતના ધામિર્ક આયોજનો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ભક્તો દ્વારા ભોળાનાથને થાળ-પ્રસાદ તેમજ હવન અને પૂજનના કાર્યક્રમોના પણ આયોજન થઈ રહ્યા છે. આ તમામ ધામિર્ક કાર્યક્રમો માટે ભોળાનાથના ભક્તો તેમજ પૂજારીઓ અને આયોજકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. આ ઉપરાંત દેશના પવિત્ર ૧૨ જ્યોતિર્લિંગમાંના એક એવા દ્વારકા સ્થિત નાગેશ્વર મહાદેવના મંદિર ખાતે પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ હજારોની સંખ્યામાં શિવ ભક્તો પૂજન-અર્ચન તેમજ દર્શન માટે ઉમટી પડશે. ગુરૂવારથી આખો શ્રાવણ મહિનો શિવભક્તો ભોળાનાથની ભક્તિ કરીને પુણ્યનું ભાથું બાંધશે.


