પ્રથમ રાઉન્ડમાં જ જૂનાગઢ શહેર-જીલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી : તમામ 10 તાલુકાઓમાં સરેરાશ 1 થી 10 ઈંચ વરસાદ

ભેસાણ પંથકમાં ભારે વરસાદથી ઉબેણ નદીમાં ઘોડાપુર આવ્યું : જીલ્લામાં સર્વત્ર વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો ખુશ : ગિરનાર પર્વત વિસ્તારમાં જરણાઓ ખળખળાટ વહેવા માંડયા

પ્રથમ રાઉન્ડમાં જ જૂનાગઢ શહેર-જીલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી : તમામ 10 તાલુકાઓમાં સરેરાશ 1 થી 10 ઈંચ વરસાદ

જૂનાગઢ તા.2
આખો જુન મહિનો કોરો ધાકોડ રહ્યા બાદ મેઘરાજાએ આખરે જૂનાગઢ જીલ્લામાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ છેલ્લા 28 કલાક દરમ્યાન જૂનાગઢ જીલ્લાના તમામ 10 તાલુકાઓમાં સરેરાશ 1 થી 10 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં માળીયા હાટીના તાલુકામાં સૌથી વધુ 268 એમ.એમ. (10.5 ઈંચ), કેશોદમાં 235 એમ.એમ. (9.5 ઈંચ), માંગરોળ રરપ એમ.એમ. (9 ઈંચ) ધોધમાર વરસાદ ખાબક્યો છે. જયારે અન્ય તાલુકાઓમાં ભેસાણ 119 એમ.એમ. (4.75 ઈંચ), વંથલી 100 એમ.એમ. (4 ઈંચ), જૂનાગઢ 90 એમ.એમ. (3.75 ઈંચ), મેંદરડા પ૯ એમ.એમ. (2.25 ઈંચ), માણાવદર 58 એમ.એમ. (2.25 ઈંચ) અને વિસાવદર ખાતે 26 એમ.એમ. (1 ઈંચ) વરસાદ ખાબકતાં ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે. ગત જૂન મહિના દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં કયાંય પણ વરસાદ નહીં નોંધાતા  ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા. પરંતુ જુલાઈ માસના પ્રથમ દિવસે જ મેઘરાજાએ શહેર-જીલ્લામાં પધરામણી કરીને મુશળધાર વરસીને સોરઠ વાસીઓની આતુરતાનો અંત લાવી દીધો છે અને પ્રથમ રાઉન્ડમાં જ સોરઠ વાસીઓ પર પોતાનું હેત વરસાવીને મેઘરાજા મન મુકીને વરસ્યા છે. લગભગ દરેક તાલુકામાં વાવણીલાયક વરસાદ થઈ ગયો છે. આમ, પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ જૂનાગઢ જીલ્લા પર કૃપાદ્રષ્ટી કરતા એક જાટકે પાણીની સમસ્યાનો લગભગ અંત આવી ગયો છે. જૂનાગઢ શહેર નજીક ગિરનાર પર્વત અને જંગલ વિસ્તારમાં પણ જાેરદાર વરસાદ પડયો છે. જેને કારણે ચાલુ સીઝનમાં સૌ પ્રથમવાર ગિરનાર પર્વત પરથી ધોધમાર જરણાઓ વહેવા માંડયા હતા. અને ગિરનારની સીડીઓ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જાેવા મળ્યો હતો. જયારે ભેસાણ પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ઉબેણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું.