જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા રાજકોટના બે શખ્સ ઝડપાયા, વન વિભાગે ગણતરીના કલાકોમાં કરી કાર્યવાહી
જૂનાગઢ તા.14
જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાઘ સાથે ગેરવર્તન કરનાર બે પ્રવાસીઓ સામે વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં બે વ્યક્તિઓ વાઘના પાંજરામાં કપડું ફેંકીને તેની પજવણી કરતા જોવા મળ્યા હતા. વીડિયો સામે આવતા જ વન વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના 12 જુલાઈના રોજ બની હતી, જ્યારે આરોપીઓ પ્રવાસી તરીકે સક્કરબાગ ઝૂની મુલાકાતે આવ્યા હતા. ઝૂ પરિસરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અને પોલીસની ટેકનિકલ મદદના આધારે બંને શખ્સોની ઓળખ કરવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીઓમાં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડી ઘોડી ગામના 43 વર્ષીય દેવાભાઈ નાગજીભાઈ શિરોડીયા અને 35 વર્ષીય બાબુલાલ ભીમાભાઈ શિરોડીયાનો સમાવેશ થાય છે. બંનેની 13 જુલાઈના રોજ અટકાયત કરવામાં આવી હતી.
વન વિભાગના જણાવ્યા મુજબ, વાઘને ઇરાદાપૂર્વક હેરાન કરવાનું કૃત્ય વન્યપ્રાણી સંરક્ષણ કાયદાનું ઉલ્લંઘન છે. આરોપીઓ સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ–1972ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ કાર્યવાહી દરમિયાન બંને આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને જાહેરમાં માફી પણ માંગી હતી. સાથે જ અન્ય પ્રવાસીઓને પણ પ્રાણી સંગ્રહાલયમાં કોઈપણ વન્યજીવને હેરાન ન કરવા અપીલ કરી હતી.
વન વિભાગે જણાવ્યું છે કે પ્રાણી સંગ્રહાલયમાં રહેલા વન્યજીવોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની ચેડાં સહન કરવામાં આવશે નહીં અને ભવિષ્યમાં આવી ઘટના બનશે તો જવાબદારો સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


