જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે બ્રહ્માકુમારી દ્વારા મૂલ્યનિષ્ઠ અને નશામુક્તિ કાર્યક્રમ યોજાયો

શિસ્ત, પ્રામાણિકતા, નિષ્ઠા અને ઈમાનદારી જેવા જીવનમૂલ્યોનું માર્ગદર્શન : પોલીસ તાલીમાર્થીઓએ લીધી નશામુક્તિની પ્રતિજ્ઞા

જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે બ્રહ્માકુમારી દ્વારા મૂલ્યનિષ્ઠ અને નશામુક્તિ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૯ 
પોલીસ હેડ ક્વાર્ટર, જૂનાગઢ ખાતે રિઝર્વ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.બી. નકુમ અને જૂનાગઢ સેવાકેન્દ્રના મુખ્ય સંચાલિકા બીકે બીનાબેનના માર્ગદર્શન હેઠળ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જૂનાગઢ દ્વારા પોલીસ તાલીમાર્થીઓ માટે મૂલ્યનિષ્ઠ જીવન અને નશામુક્તિ અંગે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બ્રહ્માકુમારી રમાબેન, ભાવનાબેન, કોમલબેન, રૂચિતાબેન તેમજ બ્રહ્માકુમાર અજીતભાઈ દ્વારા તાલીમાર્થીઓને જીવનમાં મૂલ્યોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. પોલીસ સેવા જેવા જવાબદારીભર્યા ક્ષેત્રમાં શિસ્ત, પ્રામાણિકતા, નિષ્ઠા, ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા, સંયમ અને માનવતા જેવા મૂલ્યોનું વિશેષ મહત્વ છે. આ મૂલ્યોને જીવનમાં આત્મસાત કરીને વ્યક્તિ પોતાના કર્તવ્યને વધુ નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક નિભાવી શકે છે. આજે મનુષ્ય ટેકનોલોજી માં ખૂબ હોશિયાર બનતો જાય છે પરંતુ મૂલ્યો નો દુકાળ પડ્યો છે. વ્યક્તિ જન્મથી મહાન નથી કે પૈસાથી મહાન નથી બનતો પરંતુ મૂલ્યો થીજ મહાન બને છે. કોઈપણ સંજોગોમાં કે સ્વાર્થને કારણે આપણે આપણા મૂલ્યો ઈમાનદારી કે પ્રામાણિકતા  ક્યારેય છોડવા ન જોઈએ. તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારી બહેનોએ જણાવ્યું હતું કે વ્યક્તિના વિચારો તેના જીવન અને વર્તન પર ઊંડી અસર કરે છે. સકારાત્મક વિચારો, શુદ્ધ ભાવનાઓ અને શ્રેષ્ઠ સંસ્કારો દ્વારા જીવનને મૂલ્યવાન બનાવી શકાય છે. પોલીસકર્મીઓ સમાજના રક્ષક તરીકે કાર્ય કરે છે, ત્યારે તેમના જીવનમાં નૈતિક મૂલ્યો અને આત્મશિસ્તનું વિશેષ સ્થાન હોવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન નશાના દુષ્પરિણામો અંગે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. નશાની લત વ્યક્તિના સ્વાસ્થ્યની સાથે તેના પરિવાર, કારકિર્દી અને સમગ્ર સમાજને નુકસાન પહોંચાડે છે.નશો કરનાર વ્યક્તિ નું સમાજ માં પણ માનસન્માન રહેતું નથી. જો કેન્સર જેવી બીમારી નો ભોગ બનીએ તો પોતે અને પરિવાર પણ ખૂબ દુ:ખી અને હેરાન થાય છે. માટે નશાથી દૂર રહીને સ્વસ્થ, સુખી અને સન્માનપૂર્ણ જીવન જીવવા માટે સૌને પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વીએચ મેવાડા અને રાણા સર અને ઉપસ્થિત પોલીસ તાલીમાર્થીઓને નશામુક્ત જીવન જીવવાની તથા નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમ દ્વારા પોલીસ તાલીમાર્થીઓમાં મૂલ્યનિષ્ઠ જીવન, આત્મશિસ્ત અને નશામુક્તિ અંગે નવી જાગૃતિ અને સકારાત્મક સંકલ્પનો સંચાર થયો હતો.