હવે ગમે ત્યારે ટેરિફ બોમ્બ ફુટશે : ટ્રમ્પે બીલ પર હસ્તાક્ષર કર્યા
(એજન્સી) વોશિંગ્ટન તા.૧૯ :
રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદનારા ભારત-ચીન સહિતના દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાના લિન્ડસે ગ્રેહામ ખરડાને અમેરિકી સંસદની મંજુરી બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ખરડા પર સહી કરતા તે હવે કાનૂન બની ગયો છે.
હવે આ ટેરિફ લાદવા માટે પ્રમુખ ટ્રમ્પને સતા મળતા જ દિવાળી આસપાસ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ ભારત સહિતના દેશો પર ફુટી શકે છે. ખાસ કરીને ચીન પણ આ કાનૂન હેઠળ આવે છે.
હવે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ ચાલુ મહિનામાં જ અમેરિકા જઈ રહ્યા છે તે પુર્વે ચીન સામે ટ્રમ્પ કઈ રીતે આ ટેરિફ કાનૂનનો ઉપયોગ કરે છે તેના પર પણ નજર છે. આ કાનૂનની કલમ ૧૧૩ મહત્વની છે જેમાં ટ્રમ્પને ૩૦ દિવસમાં ૧૦૦ ટકાની મર્યાદામાં ટેરિફની ટકાવારી નિશ્ચિત કરવાની રહે છે. હવે ટ્રમ્પ કયારે- કેટલા ટકા ટેરિફ એ ગમે તે દિવસે ર્નિણય લેશે.
ઓકટોબરના મધ્ય એટલે કે ભારતમાં દિવાળી સહિતના તહેવારોના પુર્વેજ ટ્રમ્પના ટેરિફનો અમલ શરુ થઈ શકે છે. રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદનાર ટોચના પાંચ દેશોમાં ભારત પણ સામેલ છે.
જો કે ભારતે અગાઉ જ સ્પષ્ટ કર્યુ છે કે તે કોઈ દબાણ કે ટેરિફના ભય વચ્ચે ક્રુડતેલ કયાંથી ખરીદવું તે ર્નિણય લેશે નહી. આમ હવે ટ્રમ્પ વાસ્તવિક રીતે કેટલા ટકા ટેરિફ લાદે છે તેના પર પણ ભારતની નજર હશે.
આ કાયદો રાષ્ટ્રપતિ ટ્રમ્પને ૧૦૦ ટકા સુધીના ટેરિફ લાદવાનો અધિકાર આપે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારત પર તાત્કાલિક ૧૦૦ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. એકવાર કાયદો લાગુ થઈ ગયા પછી, ટ્રમ્પ પાસે કયા દેશો પર અને કયા દરે ટેરિફ લાદવો તે નક્કી કરવાની વ્યાપક સત્તા હશે. ભારત અને ચીન મહત્વપૂર્ણ છે કારણ કે બંને રશિયા પાસેથી મુખ્ય ઊર્જા ખરીદદારો છે.


