પહેલા ખાડાગઢ અને હવે બન્યું જૂનાગઢ કચરાગઢ!
સફાઈ કર્મચારીઓની હડતાલનાં પગલે સફાઈ કામગીરી ઠપ્પ બની છે ઠેર-ઠેર કચરાનાં ગંજ ખડકાયા-શહેરમાં સફાઈ વ્યવસ્થા ગોઠવવા બુલંદ માંગ
જૂનાગઢ તા. ૧ર
જૂનાગઢ શહેરનાં લોકોને તો એક પછી એક સમસ્યાની વચ્ચે જ જાણે રહેવાનું હોય તેવું લાગી રહયું છે. ખરાબ રસ્તાઓની સમસ્યાથી જનતા પરેશાન છે. ત્યાંજ વધુ એક આફત તુટી પડી છે. સફાઈ કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓનો કોઈ ઉકેલ નહીં આવતા આખરે મનપાનાં સફાઈ કર્મચારીઓની અચોકકસ મુદતની હડતાલ શરૂ થઈ છે. અને શહેરમાં સફાઈની કામગીરી ઠપ્પ થઈ જતાં આખા શહેરમાં ઠેર-ઠેર કચરાનાં ગંજ ખડકાયા છે. અને સમગ્ર શહેર આજે કચરાગઢમાં ફેરવાઈ ગયું છે. ન્યાય માટે લડત આપવી તે દરેક નાગરીકનો અધિકાર છે અને સફાઈ કર્મચારીઓએ વિવિધ પ્રશ્ને રજુઆતો, આવેદનપત્ર આપવા સહિતનાં કાર્યક્રમો આપી અને માંગણીઓ મુકવામાં આવી હતી. લાંબા સમય સુધી તેઓની માંગણી પ્રત્યે યોગ્ય નિરાકરણ કરવામાં ન આવતા આખરે સફાઈ કર્મચારીઓએ પોતાના પ્રશ્નોના નિકાલ માટે અચોકકસ મુદતની હડતાલનું રણશીંગુ ફુંકયું છે અને આ હડતાલનો આજે છઠ્ઠો દિવસ છે અને આ લખાઈ છે ત્યારે હજુ સુધી કોઈ સમાધાન ન થતાં હજુ પણ હડતાલ ચાલુ રહેશે અને આગામી સમયમાં વધુ કાર્યક્રમો આપવામાં આવશે તેવા નિર્દેશો મળી રહયા છે. સફાઈ કર્મચારીઓએ વિવિધ પ્રશ્નોની માંગ લઈને હડતાલ શરૂ કરી છે. અને તેઓ પોતાની માંગ રજુ કરી રહયા છે. આ હડતાલને પગલે સફાઈની કામગીરી ઠપ્પ થઈ જતાં આજે શહેરમાં ઠેર-ઠેર કચરાનાં ઢગ થયા છે. અને જેના કારણે જૂનાગઢ વાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. આ શહેરનાં લોકો ઘણાં લાંબા સમયથી પ્રાથમિક સુવિધાનાં અભાવથી ત્રસ્ત છે. તેમાં પણ શહેરનાં રસ્તા જે સાવ ભંગાર બની ગયા છે તેને લઈને અત્યંત દુ:ખી છે. ખરાબ રસ્તાઓનાં કારણે જૂનાગઢની ઓળખ ખાડાગઢ તરીકે પ્રસ્થાપિત છે અને જૂનાગઢ ખાડાગઢ તરીકે ઓળખાવા લાગ્યું અને હવે કચરાની સમસ્યાને લઈને જૂનાગઢ કચરાગઢમાં ફેરવાયું છે. પહેલા ખાડાગઢ અને હવે કચરાગઢમાં ફેરવાયેલા શહેરનાં લોકોની હાલત ભારે કફોડી બની છે. જાે તત્કાલ શહેરમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં ન આવે તો આ શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય ઉભો થયો છે. શહેરમાં કચરાનાં ગંજ ખડકાયા છે તેવા સંજાેગોમાં મનપા તંત્ર દ્વારા તાત્કાલીક અસરથી પગલા ભરી અને સફાઈ કર્મચારીઓનાં પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને સફાઈ કર્મચારીઓની હડતાલનો અંત આવે અને જાે તંત્ર દ્વારા સફાઈ કર્મચારીનાં પ્રશ્નોનો નિવેડો લાવી શકે તેમ ન હોય તો શહેરમાં સફાઈ માટેની વૈકલ્પિક વ્યવસ્થા તત્કાલ ગોઠવવાની બુલંદ માંગણી ઉઠવા પામી છે.


